મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાયબર ઠગોની નવી મોડસ ઓપરેન્ડી: મોબાઈલ હેક કરી બેંક ખાતામાંથી ₹2.33 લાખ ઉપાડી લીધા

સાયબર ઠગોની નવી મોડસ ઓપરેન્ડી: મોબાઈલ હેક કરી બેંક ખાતામાંથી ₹2.33 લાખ ઉપાડી લીધા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા રજનીગંધા ટાવરમાં રહેતા અને નવરંગપુરામાં રોડ મટિરિયલનો વેપાર કરતા 48 વર્ષીય વેપારીનો સ્માર્ટફોન વાઇરસ કે દૂષણ નાખી હેક કરી અજાણ્યા સાયબર ગઠિયાએ તેમના, તેમના ધંધાના તથા તેમની દીકરીના મળીને કુલ 3 બેંક ખાતામાંથી રૂ. 2.33 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. 24 ઓક્ટોબરના રોજ બપોરે 1થી 2 વાગ્યાના ગાળામાં આ ફ્રોડ આચરાયો હતો. ફોન હેક થતાં જ વેપારીએ તાત્કાલિક સિમકાર્ડ કાઢી હેલ્પલાઇન 1930 પર કોલ કર્યો હતો, જેના આધારે શાહીબાગ પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

શાહીબાગ સુજાતા ફ્લેટ પાસે રજનીગંધા ટાવરમાં રહેતા અને નવરંગપુરા ધ્રુવ હાઉસ ખાતે ‘એસ.એસ. એન્ટરપ્રાઇઝ’ નામે રોડ બનાવવાનો સામાન વેચતા કુલદીપ રાજેન્દ્રકુમાર શર્માએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ એચડીએફસી બેંકની જિલ્લા સેવા સદન શાખામાં વેપારનું કરન્ટ એકાઉન્ટ તેમજ પોતાનું સેવિંગ એકાઉન્ટ ધરાવે છે. આ ઉપરાંત તેમની દીકરી ધ્રુવી રાજ પટેલનું પણ તે જ બેંકમાં સેવિંગ ખાતું છે. આ ત્રણેય એકાઉન્ટમાં કુલદીપભાઈનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હતો અને તેમના ફોનમાં ગૂગલ-પે સાથે આ ત્રણેય ખાતા લિંક હતા.

ગત 24 ઓક્ટોબરના રોજ બપોરે તેઓ ઘરે હાજર હતા ત્યારે વેપારીને ફોન કરવા ખિસ્સામાંથી મોબાઇલ કાઢતાં ફોન અચાનક પોતાની મેળે અપડેટ થવા લાગ્યો હતો. શંકા જતાં તેમણે ફોન સ્વિચઓફ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન બંધ થયો નહોતો. તે દરમિયાન ફોનમાં ઉપરાઉપરી ઓટીપી આવવા લાગ્યા હતા અને મોબાઇલનું એક્સેસ તેમના હાથમાંથી જતું રહ્યું હતું. સાયબર ગઠિયાએ તેમના ફોનનું રિમોટ એક્સેસ મેળવી કરન્ટ એકાઉન્ટમાંથી રૂ. 89,999, તેમના પર્સનલ એકાઉન્ટમાંથી રૂ. 83,332 તથા દીકરીના એકાઉન્ટમાંથી રૂ. 60,000 મળીને કુલ સાત ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 2.33 લાખ ઉપાડી લીધા હતા. આ મામલે શાહીબાગ પોલીસે આઈ ટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો