VIDEO: સચિન પોલીસ સ્ટેશનમાં આરોપી કરી આત્મહત્યા, પોલીસ પર ઉઠ્યા ગંભીર સવાલ
સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાં એક આરોપીના મોતને લઈ

સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાં એક આરોપીના મોતને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વાહન ચોરીના ગુનામાં ગોધરાથી પકડાયેલા 35 વર્ષીય રીઢા આરોપીએ પોલીસ સ્ટેશનમાં જ કથિત રીતે એસિડ પીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
સચિન પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા
પૂછપરછ દરમિયાન બનેલી આ ઘટનાથી સચિન પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.આરોપીને તાત્કાલિક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસ કર્મચારીઓને કુદરતી હાજતે જવાનું કહ્યું હતું. આરોપી ડી-સ્ટાફની કેબિનમાં આવેલા શૌચાલયમાં ગયો હતો, જ્યાં તેણે ત્યાં પડેલું શૌચાલય સાફ કરવાનું એસિડ પી લીધું હતું. આરોપીની હાલત લથડતા પોલીસ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ગંભીર હાલતમાં આરોપીને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ઝેરી અસર વધુ હોવાને કારણે સારવાર કારગત નીવડી ન હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.
પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતના પગલે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ સ્ટેશનમાં સુરક્ષા અને તકેદારીમાં ક્યાં ચૂક રહી ગઈ તે અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.






