Video/ Bhavanagar માં વાહન ધીમું ચલાવવાનું કહેતા લોહીયાળ જંગ, 25ના ટોળાએ કર્યો પથ્થરમારો, 7 ઘાયલ
ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કરતા પથ
ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કરતા પથ્થરમારો અને હુમલાની ઘટના સામે આવી છે. કૂતરાને બિસ્કિટ ખવડાવતા સ્થાનિકોએ એક વાહન ચાલકને ગાડી ધીમી ચલાવવાનું કહેતા મામલો બિચક્યો હતો. જોતજોતામાં 20 થી 25 લોકોના ટોળાએ પથ્થરમારો કરી વિસ્તારમાં આતંક મચાવ્યો હતો, જેમાં 6 થી 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
શ્વાનને દૂધ-બિસ્કિટ ખવડાવતા સર્જાઈ બબાલ
બનાવની વિગતો મુજબ, મોતી તળાવ વિસ્તારમાં રહેતા રાજકુમાર સાહની અને અન્ય મિત્રો રસ્તા પર મૂંગા પશુઓને દૂધ અને બિસ્કિટ ખવડાવી રહ્યા હતા. આ દરમિયાન એક વાહન ચાલક અત્યંત પૂરઝડપે ત્યાંથી પસાર થતા સ્થાનિકોએ તેને ટોક્યો હતો અને ગાડી ધીમી ચલાવવા જણાવ્યું હતું. આ સામાન્ય શિખામણથી વાહન ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી "લોકો પર ગાડી ચઢાવી દેવાની" ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો.
ટોળાનો પથ્થરમારો અને મકાનોમાં તોડફોડ
થોડી જ વારમાં વાહન ચાલક 20 થી 25 લોકોના ટોળા સાથે પરત આવ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ સ્થાનિક રહીશો પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ હુમલામાં 6 થી 7 લોકોને ઈજા થઈ છે. પથ્થરમારામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તોફાની તત્વોએ મકાનો અને રસ્તા પર પડેલા વાહનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.
પોલીસનો કાફલો ઘટના સ્થળે
ઘટનાની જાણ થતા જ ભાવનગર પોલીસનો મોટો કાફલો મોતી તળાવ વિસ્તારમાં દોડી ગયો હતો. પોલીસે સમયસૂચકતા વાપરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલ આ મામલે રાજકુમાર સાહનીની ફરિયાદના આધારે પોલીસે હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








