Video: હિંમતનગરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, રાવણને બદલે HUDA ના પૂતળાનું દહન
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 'હુડા' (HUDA) ના નોટિફિકેશન વિરુદ્ધનું આંદ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 'હુડા' (HUDA) ના નોટિફિકેશન વિરુદ્ધનું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે. ખેડૂતોની મહામૂલી જમીનો કપાતમાં જવાની ભીતિથી અસરગ્રસ્ત 11 ગ્રામ પંચાયતોના લોકોએ આજે વિરોધનો અનોખો માર્ગ અપનાવ્યો. આજે વિજયાદશમીના પવિત્ર દિવસે, જેમ ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો, તેમ આ ગ્રામજનોએ પણ તેમની જમીન છીનવનારા 'હુડા'ને 'સૂર' (રાક્ષસ) ગણીને તેનું દહન કર્યું અને સખત વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે કે જ્યાં સુધી આ નોટિફિકેશન રદ નહીં થાય, ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે.
હુડાના પૂતળાનું દહન કરાયું
હિંમતનગર નજીકના હડિયોલ ગામ સહિત 11 ગામડાંના ખેડૂતો માટે આજે વિજયાદશમીનો પર્વ 'સંઘર્ષ પર્વ' બની ગયો છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલું આ આંદોલન આજે 'હુડા સૂર દહન' કાર્યક્રમ સાથે વધુ ઉગ્ર બન્યું છે. એક તરફ જ્યારે રાજ્યમાં દશેરાની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ ગ્રામજનોએ એકઠા થઈને હુડાના પૂતળાનું દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમનો આરોપ છે કે હુડાના આ નોટિફિકેશનને કારણે તેમની ખેતીની જમીન જઈ રહી છે. આ તમામ ખેડૂતો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, અને જમીન છીનવાઈ જવાથી તેઓ રોજી-રોટી વિહોણા થઈ જશે.
હુડાનું નોટિફિકેશન રદ નહીં થાય, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
છેલ્લા એક મહિનાથી ગ્રામજનોએ અલગ-અલગ રીતે વિરોધ પ્રદર્શિત કર્યો છે. આવેદનપત્રો આપવાથી લઈને ધરણાં, રેલીઓ અને આજે 'સૂર દહન' સુધીના કાર્યક્રમો આપીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોએ કહ્યું છે કે જ્યાં સુધી આ હુડાનું નોટિફિકેશન રદ નહીં થાય, ત્યાં સુધી તેમનું આંદોલન સતત ચાલુ રહેશે.






