મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Narmadaમાં સાઈકલોથોન થકી સ્વદેશીનો સંકલ્પ, રાષ્ટ્રની એકતા માટે અનોખી પહેલ

દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં, નર્મદા જિલ્

દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં, નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ‘ધ યુનિટી ટ્રેઈલ – સાયકલ ઓન સન્ડે’ નામની બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ ઇવેન્ટને રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે લીલી ઝંડી આપીને ખુલ્લી મૂકી હતી.

16 અને 17 નવેમ્બરે યોજાયેલી આ ઈવેન્ટના પ્રથમ દિવસે પાંચ કિલોમીટરની સાઇકલોથોનમાં સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી 650થી વધુ સાઇક્લિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે મંત્રી ડૉ. જયરામ ગામીત, ધારાસભ્ય તેમજ અધિકારીઓએ પણ સાયકલ ચલાવીને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ અવસરે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પવિત્ર સ્થળે આયોજિત આ સાઈકલોથોન હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના મંત્રને સાચા અર્થમાં પ્રોત્સાહન પૂરું પાડે છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સ્વદેશી ઉત્પાદન, સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણપ્રેમી પરિવહનના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો છે. મંત્રીએ યુવાનોને રાષ્ટ્રની એકતા, સ્વદેશી અને સ્વાવલંબનની ભાવનાને મજબૂત બનાવવા તેમજ વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા માટે અનુરોધ કર્યો હતો.

સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ ઇવેન્ટ, નર્મદા જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની વચ્ચે યોજાઈ હોવાથી દેશભરના સાયકલિસ્ટો માટે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. સૌ સાયકલિસ્ટોએ સાયકલિંગ દ્વારા ફિટનેસ, સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યોને મજબૂત બનાવવાના સંકલ્પ વ્યક્ત કર્યા હતા. આ સાઈકલોથોન યુવાનો માટે એક પ્રેરણાસ્ત્રોત સાબિત થઈ છે.

આ સમાચાર શેર કરો