મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ટ્રમ્પે હોર્મુઝ ખોલવાની ઈરાનની ઓફર ઠુકરાવી, દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?

ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ફરી વધી રહ્યો છે. ઈરાને કતાર મારફતે અમેરિકા સમક્ષ 7 દિવસ

તસવીર: gstv

ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ફરી વધી રહ્યો છે. ઈરાને કતાર મારફતે અમેરિકા સમક્ષ 7 દિવસનો ‘હોર્મુઝ પ્લાન’ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ હેઠળ ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ફરી ખોલવા અને પરમાણુ મુદ્દે અમેરિકા સાથે વાટાઘાટો શરૂ કરવા તૈયાર હતું. તેના બદલામાં ઈરાને અમેરિકાથી નૌકાદળની નાકાબંધી હટાવવા, તેલ પ્રતિબંધોમાં રાહત આપવા સહિત કેટલીક શરતો મૂકી હતી. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે.

ઈરાનનો 7 દિવસનો ‘હોર્મુઝ પ્લાન’ શું હતો?

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના જણાવ્યા પ્રમાણે, અમેરિકાએ શરતો સ્વીકારી હોત તો આ યોજના તરત અમલમાં આવી શકતી હતી. પ્રથમ પાંચ દિવસમાં અમેરિકાએ ઈરાની બંદરો પરથી નૌકાદળની નાકાબંધી દૂર કરવાની, ઈરાનના તેલ વેચાણ પર લાગેલા પ્રતિબંધોમાં રાહત આપવાની અને લેબનાનને આવરી લેતો યુદ્ધવિરામ અમલમાં મૂકવાનો હતો.

છઠ્ઠા દિવસે ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખોલવાનો પ્રસ્તાવ હતો, જ્યારે સાતમા દિવસે બંને દેશો વચ્ચે પરમાણુ કાર્યક્રમ અંગે સત્તાવાર વાટાઘાટો ફરી શરૂ થવાની હતી.

ટ્રમ્પે શા માટે પ્રસ્તાવ નકાર્યો?

‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ અનુસાર, ટ્રમ્પને ઈરાનના ઈરાદાઓ અંગે વિશ્વાસ નથી. અમેરિકી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પે પોતાના સહયોગીઓને સંકેત આપ્યો છે કે નવેમ્બરમાં યોજાનારી મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન સામે ફરી લશ્કરી કાર્યવાહી કરવાની શક્યતા છે.

જોકે, જો અમેરિકી હુમલો થાય તો તેની વ્યાપકતા કેટલી હશે તે હજુ સ્પષ્ટ નથી. અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકાના શસ્ત્રો અને દારૂગોળાના ભંડારમાં ઘટાડો થયો છે, જેના કારણે હાલ મોટા પાયે સૈન્ય અભિયાન ચલાવવાની તેની ક્ષમતા પર પણ પ્રશ્નો છે. અમેરિકા પોતાના શસ્ત્રભંડારને ભવિષ્યની અન્ય સંભવિત લશ્કરી જરૂરિયાતો માટે બચાવવા માંગે છે.

ઈરાન પણ પોતાના વલણ પર અડગ

બીજી તરફ, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ દબાણ અથવા ધમકી સામે પોતાના સાર્વભૌમ અધિકારો સાથે સમાધાન નહીં કરે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા વાટાઘાટોના માધ્યમથી વિવાદ ઉકેલવાના પ્રયાસોને આવકાર્યા છે. આવી સ્થિતિમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવનો આગામી તબક્કો શું રહેશે તેના પર સમગ્ર વિશ્વની નજર છે.

આ સમાચાર શેર કરો