Video: ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, CM ઓફિસ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ નિશાન બનાવવાની ચીમકી

ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઈલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. 6 નવેમ્બર 2026ના રોજ સવારે 8 વાગ્યાને 43 મિનિટે આ ધમકીભર્યો ઈ-મેઈલ મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ઈ-મેઈલમાં માત્ર ગુજરાત હાઈકોર્ટ જ નહીં, પરંતુ મુખ્યમંત્રી કાર્યાલય અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે. વધુમાં, આગામી 21 નવેમ્બરના રોજ અમદાવાદમાં યોજાનારા દિલજીત દોસાંઝના શો દરમિયાન IED બ્લાસ્ટ કરીને જાનથી મારી નાખવાની ધમકીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ધમકીભર્યા ઈ-મેઈલમાં 8 નવેમ્બરથી 27 નવેમ્બર દરમિયાન અલગ-અલગ સ્થળોએ બોમ્બ ધડાકા કરવાની ચીમકી આપવામાં આવી છે. ઈ-મેઈલમાં ખાલિસ્તાન નેશનલ આર્મી એટલે કે KNA અને બબ્બર ખાલસા સંગઠનનાં નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અયોધ્યા, કાશી અને મથુરાનાં મંદિરોને નિશાન બનાવવાની ધમકી પણ આપવામાં આવી છે. નવેમ્બર 1984માં થયેલા શીખ વિરોધી રમખાણોનો બદલો લેવાની વાત પણ ઈ-મેઈલમાં લખવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઈ-મેઈલ કોણે અને ક્યાંથી મોકલ્યો છે, તેની સાથે જ ધમકી કેટલી વિશ્વસનીય છે તે દિશામાં તપાસ અને ખરાઈની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હાલ સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલે સતર્ક બની છે.











