Video: ધડાકાભેર આગ અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા! ઉમરગામમાં કેમિકલ-પ્લાસ્ટિક કંપનીઓ સ્વાહા, ફાયર બ્રિગેડ આખી રાત દોડ્યું

સોર્સ: gstv

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા સ્થિત સરીગામ ઔદ્યોગિક વિસ્તાર (GIDC)માંથી એક મોટા અગ્નિકાંડના સમાચાર સામે આવ્યા છે. મોડી રાત્રે એક ઔદ્યોગિક એકમમાં અચાનક લાગેલી વિકરાળ આગ જોતજોતામાં બાજુની અન્ય કંપનીમાં પણ પ્રસરી ગઈ હતી. પ્લાસ્ટિક અને કેમિકલ પાવડરના જથ્થાને કારણે આગે એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી જવા પામી હતી. આ બનાવમાં બંને કંપનીઓને કરોડો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.

આખી રાત ચાલી આગ ઓલવવાની કામગીરી

જાહેરાત

ઘટનાની જાણ થતાં જ સરીગામ ફાયર બ્રિગેડ, ઉમરગામ પાલિકા અને ઉમરગામ નોટીફાઇડ ફાયર સ્ટેશનની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. કંપનીમાં રહેલા કેમિકલ પાવડર અને પ્લાસ્ટિકના મટિરિયલના કારણે આગ સતત ભડકે બળી રહી હતી, જેથી ફાયર ફાઈટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ આખી રાત સતત પાણી તેમજ સ્પેશિયલ કેમિકલ ફોમનો મારો ચલાવ્યો હતો. કલાકોની ભારે જહેમત બાદ આખરે વહેલી સવારે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી શકી હતી. સદનસીબે આ ભીષણ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આગ કયા કારણોસર લાગી તે દિશામાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત