અમદાવાદથી વિયેતનામ માટે સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાતના પ્રવાસીઓને મળશે મોટી સુવિધા

અમદાવાદ: ગુજરાતના આંતરરાષ્ટ્રીય હવાઈ જોડાણમાં વધુ એક મહત્વપૂર્ણ વધારો થયો છે. વિયેતનામ એરલાઈન્સ દ્વારા અમદાવાદથી વિયેતનામની રાજધાની હનોઈ માટે સીધી વિમાની સેવા શરૂ કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ અને વિયેતનામ વચ્ચે સીધું હવાઈ જોડાણ સ્થાપિત થયું છે.
3 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પ્રથમ ઉદ્ઘાટન ફ્લાઈટ હનોઈ માટે રવાના થઈ હતી. આ નવી સેવા અઠવાડિયામાં ચાર દિવસ કાર્યરત રહેશે. જેમાં દર મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે મુસાફરોને સીધી ફ્લાઈટની સુવિધા મળશે.
આ સેવા શરૂ થવાથી ગુજરાતના પ્રવાસીઓ માટે વિયેતનામ પહોંચવું વધુ સરળ બનશે. સાથે જ વિયેતનામ એરલાઈન્સના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક મારફતે અન્ય સ્થળો માટે પણ કનેક્ટિવિટી મળી શકશે.
અમદાવાદ હવે વિયેતનામ એરલાઈન્સનું ભારતમાં પાંચમું પેસેન્જર ડેસ્ટિનેશન બન્યું છે. આ નવી ફ્લાઈટથી ગુજરાત અને વિયેતનામ વચ્ચે પ્રવાસન, વેપાર, બિઝનેસ ટ્રાવેલ અને આંતરરાષ્ટ્રીય આદાનપ્રદાનને વેગ મળવાની અપેક્ષા છે.
ગુજરાતના પ્રવાસીઓ અને વેપારી વર્ગ માટે અમદાવાદથી હનોઈની સીધી ફ્લાઈટ શરૂ થવી એક મહત્વપૂર્ણ સુવિધા સાબિત થઈ શકે છે. આ સાથે અમદાવાદની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીમાં પણ વધુ એક નવો અધ્યાય ઉમેરાયો છે.










