મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે પથ્થરમારો, પોલીસ જવાન ઘાયલ

એક બાજુ સંસદના બંને ગૃહમાં સંસદ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગઈકાલે રાહુલ ગાંધીના નિવેદનને

એક બાજુ સંસદના બંને ગૃહમાં સંસદ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગઈકાલે રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભારે હોબાળો થયો હતો. જોકે, બાદમાં મોડી રાત્રે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો થયો હતો. પરિણામે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. જ્યારે બીજી તરફ આ બનાવના મામલે પોલીસ મૂકપ્રેક્ષક બની હોવાના સામાચાર પણ સામે આવી રહ્યા છે. 

રથયાત્રા પૂર્વે બે પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ

રથયાત્રાના ગણતરીના દિવસો પૂર્વે શહેરમાં બે પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસા થતા કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. ભાજપ કાર્યકર્તાઓના વિરોધ વચ્ચે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પ્રદેશ કાર્યાલય પર પહોંચ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના કાર્યકારો આમને સામને આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને પરંતુ પોલીસ વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નીવડી હતી.

પોલીસે અનેક કાર્યકરોની કરી અટકાયત 

રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવા આવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલયમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો પહોંચ્યા હતા. જો કે, ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ એકત્ર થતા મામલો બિચક્યો હતો. બંન્ને પક્ષે સામસામે પથ્થરમારો થયો હતો. જેના વીડિયો પણ સામે આવ્યા છે. એટલું જ નહીં કાચની બોટલો પણ ફેંકાઈ હોવાનું સામે આવ્યું છે. પથ્થરમારો થતા એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. જોકે, આ અગાઉ કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી છે. 

જાણો શું છે મામલો

સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઇ હતી. આ દરિયાન રાહુલ ગાંધીએ ચર્ચાની શરૂઆત કરી અને બંધારણના બહાને મોદી સરકાર પર ચાબખા મારવાનું શરૂ કર્યું. તેમણે પોતાના ભાષણની શરૂઆત બંધારણની કોપી હાથમાં લઇને કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ એક એવું નિવેદન આપ્યું જેથી હંગામો મચી ગયો હતો.  'મોદીજીએ પોતાના ભાષણમાં એક દિવસ કહ્યું કે હિંદુસ્તાને ક્યારેય કોઇના પર હુમલો કર્યો નથી. તેનું કારણ છે, હિંદુસ્તાન અહિંસાનો દેશ છે, આપણા મહાપુરૂષોએ સંદેશ આપ્યો છે-  ડરો મત, ડરાવો મત. શિવજી કહે છે- ડરો મત, ડરાવો મત અને ત્રિશૂલને જમીનમાં દાટી દે છે. બીજી તરફ જે લોકો પોતાને હિંદુ કહે છે તે 24 કલાક હિંસા-હિંસા-હિંસા, નફરત-નફરત-નફરત કરે છે. તમે હિંદુ છો જ નહી. તમે હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યનો સાથ આપવો જોઇએ.' 

ભાજપના નેતાઓએ વિરોધ કર્યો હતો

રાહુલ ગાંધીના આ નિવેદન આપતા જ ​​ભાજપે તેમનો વિરોધ શરૂ કરી દીધો હતો. સંસદની અંદર અને બહાર વિરોધ પ્રદર્શનો થયા. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'રાહુલ ગાંધી સમગ્ર હિંદુ સમાજને હિંસક બનાવી રહ્યા છે તે ગંભીર બાબત છે.' જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'X' પર લખ્યું, 'રાહુલ ગાંધીએ કરોડો હિંદુઓનું અપમાન કર્યું છે કે હિંદુઓ હિંસા કરે છે, જુઠ્ઠું બોલે છે અને નફરત ફેલાવે છે. તેમણે આ માટે માફી માંગવી જોઈએ.'

આ સમાચાર શેર કરો