Video: બહુચર્ચિત બગદાણા સેવકને માર મારવાની ઘટનામાં SITની રચના, મંત્રીઓ સહિતના નેતાઓએ CMને કરી હતી રજૂઆત
મહુવાના બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલાની ઘટનાને લઈને પોલીસની કામગીરી પર

મહુવાના બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલાની ઘટનાને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. હુમલાના બનાવને લઈને કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. બગદાણા હુમલા કેસને લઈને કોળી સમાજના નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા હતા. સમગ્ર કેસ મામલે તપાસ માટે SITની રચના કરાઈ છે.
શું છે સમગ્ર મામલો?
મહુવાના બગદાણામાં મોણપર ગામ નજીક 29 ડિસેમ્બરની મોડી રાતે આઠ શખસોએ યુવક પર ધોકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો. જે બાદ આઠ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પીડિત યુવકે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જોકે મહુવાના ઈન્ચાર્જ DYSPએ દાવો કર્યો હતો કે દારૂની બાતમી આપ્યાની શંકાના કારણે નવનીતભાઈ પર હુમલો થયો હતો.
માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર ગંભીર આરોપ
મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટીનું નામ લીધું હતું. જોકે બાદમાં નવનીત બાલધિયાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટી નક્કી કરાયા નથી. ભૂલ સમજાતા માયાભાઈ આહીરે માફી માંગતો વીડિયો બનાવ્યો હતો. જેની દાઝ રાખી માયાભાઈના પુત્ર જયરાજે હુમલો કરાવ્યો હોય તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
પોલીસ સામે પણ કેમ છે રોષ?
નોંધનીય છે કે સમગ્ર કેસમાં પીડિતે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજનો દોરીસંચાર હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે PI અને DYSPએ પ્રાથમિક તપાસમાં જ જયરાજની કોઈ સંડોવણી નથી તેમ કહી ક્લીનચિટ આપી હતી.
PI ડાંગરની બદલીનો આદેશ
જોકે સમગ્ર મામલે પોલીસ પર ગંભીર આરોપો થતાં હોવાથી જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી બગદાણાના PI ડી વી ડાંગરની બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકી દીધા હતા.








