Video: જેતપુરમાં પ્રદૂષણ નિકાલનો રૂ. ૬૭૫ કરોડનો પ્રોજેક્ટ વિવાદમાં, બ્લાસ્ટિંગથી મકાનો ધ્રૂજતા સ્થાનિકોમાં ભય
જેતપુરના સાડી ઉદ્યોગ (ડાઈંગ અને પ્રિન્ટિંગ એકમો) ના પ્રદૂષિત પાણીના કાયમી નિકાલ માટે સરકાર દ્વ
જેતપુરના સાડી ઉદ્યોગ (ડાઈંગ અને પ્રિન્ટિંગ એકમો) ના પ્રદૂષિત પાણીના કાયમી નિકાલ માટે સરકાર દ્વારા મંજૂર કરાયેલો રૂ. ૬૭૫ કરોડનો મહાકાય પ્રોજેક્ટ શરૂઆતે જ વિવાદમાં સપડાયો છે. આ યોજના અંતર્ગત પ્રદૂષિત પાણીને CETP માં ટ્રીટ કરી ૧૧૦ કિમી દૂર પાઈપલાઈન મારફતે પોરબંદરના દરિયામાં વહાવવાનું આયોજન છે. પરંતુ આ યોજનાના ભાગરૂપે જેતપુર નજીકના આરબ ટીંબડી વિસ્તારમાં ગામતળ રેસીડેન્સીયલ ઝોનની વચ્ચે જ પમ્પિંગ સ્ટેશન બનાવવાની હિલચાલ સામે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા છે.
આ યોજના જેતપુરના પ્રદૂષણની સમસ્યા હલ કરવા માટે છે, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે આનાથી તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. આરબ ટીંબડીના આ વિસ્તારના ૧૦૦ થી ૧૫૦ જેટલા દેવીપૂજક, અનુ.જાતિ અને માલધારી પરિવારો જ્યાં વસવાટ કરે છે, ત્યાં જ આ કેમિકલયુક્ત પાણી એકઠું કરવા માટેનું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે.
પમ્પિંગ સ્ટેશનના પાયા ખોદવા માટે જે હેવી બ્લાસ્ટિંગ કરવામાં આવે છે, તેના કારણે આજુબાજુના કાચા મકાનોમાં તિરાડો પડી ગઈ છે અને પતરાં તૂટી રહ્યા છે. સ્થાનિક રહીશ કુવરબેન અને રણજીતભાઈના જણાવ્યા મુજબ, "અહીં અમારા નાના બાળકો રમે છે અને ઢોર ઉભા હોય છે. બ્લાસ્ટિંગના પથ્થરો ઉડવાથી ગમે ત્યારે મોટી જાનહાનિ થઈ શકે છે. વિકાસના નામે અમને ઘર વગરના કરવાનો કારસો રચાયો છે.
ગામતળની જમીન પર ગેરકાયદેસર દબાણ?
ગામના સરપંચે દાવો કર્યો છે કે જે જગ્યાએ કામ ચાલે છે તે ૧૯૮૪ના રેકોર્ડ મુજબ ગામતળની જમીન છે. પંચાયતની કોઈપણ મંજૂરી કે ઠરાવ વગર તંત્ર અને કોન્ટ્રાક્ટરોએ અહીં ખોદકામ શરૂ કરી દીધું છે. જેના વિરોધમાં હાલ કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે.
સેફ્ટીના નિયમો ક્યાં ગયા?
બ્લાસ્ટિંગ કરવા માટેના એક્સપ્લોઝિવ એક્ટ ના કડક નિયમો છે. રહેણાંક વિસ્તારની અમુક મીટરની ત્રિજ્યામાં હેવી બ્લાસ્ટિંગ ન કરી શકાય. છતાં, અહીં ગરીબોના ઝૂંપડા અને મકાનોની સાવ બાજુમાં જ ધડાકા કરવામાં આવે છે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? શું ગરીબોના જીવની કોઈ કિંમત નથી?
સતીષભાઈ રાઠોડ સહિતના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અમને પ્રોજેક્ટ સામે વાંધો નથી, પણ અમારા રહેણાંક વિસ્તારની વચ્ચે પમ્પિંગ સ્ટેશન ન જોઈએ. તેને અહીંથી ૧.૫ કિમી દૂર ખસેડવામાં આવે. જો આમ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
શું છે પ્રોજેક્ટ?
જેતપુરના ડાઇંગ ઉદ્યોગના કેમિકલયુક્ત પાણીને શુદ્ધ કરી, ૧૧૦ કિલોમીટર લાંબી પાઈપલાઈન દ્વારા પોરબંદરના દરિયામાં ઊંડે સુધી નિકાલ કરવાનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. જેનો અંદાજિત ખર્ચ ૬૭૫ કરોડ રૂપિયા છે.
સ્થાનિકોનો ડર શું?
પમ્પિંગ સ્ટેશન બનવાથી ભવિષ્યમાં અહીં હજારો લિટર ગંદુ પાણી એકઠું થશે. જો લીકેજ થાય કે દુર્ગંધ ફેલાય તો આખા વિસ્તારમાં રહેવું મુશ્કેલ બનશે અને રોગચાળો ફાટી નીકળશે. આખા પ્રકરણમાં સૌથી ચોંકાવનારી બાબત સ્થાનિક તંત્રની ભૂમિકા છે. આરબ ટીંબડીના રહેવાસીઓ અને સરપંચનો સીધો આક્ષેપ છે કે આ પ્રોજેક્ટમાં તંત્રએ કાયદા અને નિયમોને નેવે મૂકી દીધા છે.















