VIDEO : મહેસાણામાં 28 વર્ષ કમલમની સેવા કરનાર રમેશભાઈ ભીલ બન્યા કોર્પોરેટર, સાદગી અને નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ
મહેસાણાના રમેશભાઈ ભીલ આજે સમગ્ર ગુજરાત માટે સેવા અને સાદગીનું એક અનોખું ઉદાહરણ બન્યા છે.
મહેસાણાના રમેશભાઈ ભીલ આજે સમગ્ર ગુજરાત માટે સેવા અને સાદગીનું એક અનોખું ઉદાહરણ બન્યા છે. છેલ્લા ૨૮ વર્ષથી મહેસાણા ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક નિષ્ઠાવાન સેવક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ આજે કોર્પોરેટર બની ગયા છે, પરંતુ તેમની જીવનશૈલીમાં કોઈ ફેરફાર આવ્યો નથી. તેઓ આજે પણ વહેલી સવારે કમલમ પહોંચી જાય છે અને ઓફિસની સાફ-સફાઈ કરવાથી લઈને કાર્યકરો માટે ચા બનાવવાનું કામ તેટલી જ શ્રદ્ધાથી કરે છે. રમેશભાઈની વર્ષોની વફાદારી અને પક્ષ પ્રત્યેના સમર્પણને જોઈને ભાજપે તેમને ચૂંટણીમાં ટિકિટ આપી હતી, જેમાં જનતાએ તેમને ભારે મતે વિજયી બનાવ્યા છે.
કોર્પોરેટર બન્યા બાદ રમેશભાઈએ નિર્ધાર કર્યો છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ એક સેવક બનીને જનતાની સેવા કરશે. તેમના વોર્ડમાં ગટર વ્યવસ્થામાં સુધારો, પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ અને સરકારી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે.રમેશભાઈ માને છે કે પદ ભલે બદલાયું હોય, પણ સેવાનો ભાવ બદલાવો જોઈએ નહીં. તેઓ આજે પણ લોકોની ફરિયાદો સાંભળવા અને ઉકેલવા માટે સતત જનતાની વચ્ચે રહે છે. તેમની આ જીત અને કાર્યશૈલી એ સાબિત કરે છે કે જો કોઈ વ્યક્તિ નિષ્ઠાથી કામ કરે, તો પક્ષ અને જનતા તેને હંમેશા માથે બેસાડે છે. મહેસાણાના આ નવ નિયુક્ત કોર્પોરેટર ખરા અર્થમાં લોકશાહીના સાચા સેવક તરીકે ઊભરી આવ્યા છે.








