મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામ ખંભાળિયા તાલુકામાં GSPLની ગેસ પાઈપલાઈનનો વિરોધ, ખેતરમાં જ છાવણી નાખી ખેડૂતો આંદોલન પર ઉતર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં GSPL કંપનીની ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ સામે ખેડૂતો હવે વધુ ઉગ્ર બન્ય

તસવીર: gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં GSPL કંપનીની ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ સામે ખેડૂતો હવે વધુ ઉગ્ર બન્યા છે. જામ ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ, મોટા માંઢા, દાંતા સહિતના ગામોના ખેડૂતો GSPLની ગેસ પાઈપલાઈનની કામગીરી આજે બંધ કરાવી દીધી છે અને ખેડૂતો કંપનીની કામગીરીના વિરોધમાં ખેતરમાં જ છાવણી નાખી આંદોલન પર ઉતરી ગયા છે. 

 ખેડૂતોએ પાઇપલાઇનની કામગીરી બંધ કરાવી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં GSPL કંપની દ્વારા 30 જેટલા ગામોમાં ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જામ ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ, મોટા માંઢા, દાંતા ગામના ખેતરોમાં ચાલતી આ કામગીરી સામે ખેડૂતોનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો ખેતરમાં ચાલતી પાઇપલાઇનની કામગીરી બંધ કરાવી દીધી છે અને સ્થળ પર જ છાવણી નાખી આંદોલન પર ઉતરી ગયા છે.

 ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા યોગ્ય સર્વે કર્યા વગર, તેમજ યોગ્ય વળતર ચૂકવ્યા વગર અને ખેતીની જમીનને નુકસાન પહોંચાડીને પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ખેડૂતોની માંગ છે કે યોગ્ય કાર્યવાહી અને વળતર બાદ જ કામ શરૂ કરવામાં આવે.

ખેડૂતોએ ઉચ્ચારી ચિમકી

 'માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કંપનીને કામ કરવા દેવામાં આવશે નહીં' તેવી ચિમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે.
આક્ષેપ મુજબ GSPL કંપની દ્વારા યોગ્ય સર્વે કર્યા વગર ગેસ પાઈપલાઈનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. માર્કેટ ભાવ મુજબ યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી અને પાઈપલાઈનની કામગીરીથી ખેતીની જમીનને નુકસાન પહોંચી રહ્યું છે. 

યોગ્ય સર્વે કરવા ખેડૂતોની માંગ

ખેડૂતોનું કહેવું છે કે પાક, જમીન, બોર, કૂવા સહિતની મિલકતોના નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી અને અસરગ્રસ્ત ખેડૂતોના હિતોની અવગણના કરવામાં આવી રહી છે. ખેડૂતોની માંગ છે કે યોગ્ય સર્વે કરવામાં આવે, માર્કેટ ભાવ મુજબ પૂરતું વળતર ચૂકવવામાં આવે અને ખેતીની જમીનને થતા નુકસાન અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જ્યાં સુધી ખેડૂતોની માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી ગેસ પાઈપલાઈનની કામગીરી બંધ રાખવામાં આવે. હાલ ખેડૂતો ખેતરમાં જ છાવણી નાખી આંદોલન ચલાવી રહ્યા છે અને માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ખેડુતોએ ચેતવણી ઉચ્ચારી હતી. 

આ સમાચાર શેર કરો