VIDEO:સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીના નામે મીંડુ, પાણીથી તરબતર રસ્તા પરથી પસાર થવા વિદ્યાર્થીઓ મજબૂર
શિક્ષણમંત્રી સુરતના હોવા છતાં વિદ્યાર્થીઓની હાલાકીમાં કોઈ ફેર

શિક્ષણમંત્રી સુરતના હોવા છતાં વિદ્યાર્થીઓની હાલાકીમાં કોઈ ફેર પડ્યો ન હોય તેવું ચામાસામાં સામે આવ્યું છે. કારણ કે પાણી ભરેલા રસ્તામાંથી વિદ્યાર્થીઓને જીવના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે. બીજી તરફ કતારગામમાં નબળી પ્રી- મોન્સૂન કામગીરીનો ભોગ પ્રજા બની રહી છે. અહીં પ્રી-મોન્સૂન કામગીરી નબળી થઈ હોવાથી થોડા વરસાદમાં પણ અનેક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વિદ્યાર્થીઓને સ્કૂલે અને ટ્યુશન જવામાં મુશ્કેલી પડી રહી છે. દર ચોમાસાની સમસ્યા પણ તંત્ર અને શાસકો સમસ્યાના હલ લાવવામાં નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
રસ્તા પર પાણી ભરાતા હાલાકી
આજે પડેલા વરસાદના કારણે કતારગામ ઝોનના હરીદર્શનના ખાડા સહિતના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. પાણીનો ભરાવો થયો છે ત્યાં કેટલીક સ્કૂલ આવી છે. તેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણીનો ભરાવો થયો હોવા છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે સાયકલ લઈને પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત આ રોડ પર પાણીના ભરાવાના કારણે નોકરી ધંધે જનારા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કાયમી હલ લાવવાની માગ
પાલિકાના વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, સુરત સ્માર્ટ સિટી અને વિકાસશીલ શહેર છે. એવી ખોટી જાહેરાતો અને બેનરોમાં મોટી મોટી વિકાસની વાતો કરી રહેલા ભાજપ શાસકો આ સ્થિતિ માટે જવાબદાર છે. વર્ષોથી આ સમસ્યા ચાલી આવે છે. તેનો ઉકેલ કરવમા શાસકો અને તંત્ર નિષ્ફળ ગયું છે. તેનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિકો પણ આ સમસ્યાનો કાયમી હલ માંગી રહ્યા છે.








