VIDEO: ધારીમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, 340 ગાંજાના લીલા છોડ સાથે ખેડૂતની ધરપકડ
રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં સુરેન્દ્રનગર, દાહોદ, રાજકોટ બાદ હવે અમરેલીમાંથી ગાંજાની ખેતી
રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં સુરેન્દ્રનગર, દાહોદ, રાજકોટ બાદ હવે અમરેલીમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ છે. અમરેલી જિલ્લામાંથી લીલા ગાંજાની ખેતી પકડાઈ છે. અમરેલી SOG ટીમે ખેતરમાંથી 340 ગાંજાના લીલા છોડ ઝડપી પાડ્યા છે. અમરેલી SOG ટીમે તુવેરની આડમાંથી 340 ગાંજાના લીલા છોડનું વાવેતર કબ્જે કર્યું છે. અમરેલીના ધારી નવી વસાહત પાણીના ટાંકા નજીકમાં રમેશભાઈ અરજનભાઈ વેકરિયાના ખેતરમાંથી ગાંજાનું વાવેતર કર્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ખેડૂતે ખેતરમાં તુવેરની આડમાં લીલા ગાંજાનું વાવેતર કર્યું હતું. અમરેલી SOG ટીમને રેડ દરમ્યાન આરોપીની ઘડપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના અજમેર ગામની વાડીમાંથી ઝડપાયું હતું ગાંજાનું વાવેતર
20 નવેમ્બરે વીંછિયાના અજમેર ગામની વાડીમાંથી એસઓજીની ટીમે ગાંજો ઝડપી પાડ્યો હતો. રાજકોટના વીંછિયા તાલુકાના અજમેર ગામની વાડીમાં કપાસની આડમાં ગાંજાની ખેતી થતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીની આધારે ખેતરમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન 75 કિલો ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની પણ ધરપકડ કરીને ગ્રામ્ય એસઓજીએ પોલીસને સોંપ્યો હતો.
દાહોદ એસઓજીએ 16 નવેમ્બરે નશાનું વાવેતર ઝડપાયું
દાહોદ એસઓજીએ 16 નવેમ્બરે ડ્રોનની મદદથી નશાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. એસઓજીની ટીમે ગાંજાના 493 છોડ ઝડપી પાડ્યા હતા. કુલ 16 લાખ 91 હજારનો મુદ્દામાલ સાથે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
દાહોદ એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ તાલુકા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં તપાસ કરી રહી હતી ત્યારે ગુણા ગામે ગુણિયા ફળિયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ડ્રોન કેમેરામાં નજરે પડ્યું હતું. ડ્રોન કેમેરાના માધ્યમથી માહિતી મળતાની સાથે જ દાહોદ એસઓજી પોલીસે ખેતરોની તપાસ હાથ ધરી હતી અને ખેતરમાંથી પોલીસે ગેરકાયદેસર અલગ અલગ ખેતરોમાંથી ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા.
12 નવેમ્બરે જાનીવડલાની ગામમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું
અગાઉ 12 નવેમ્બરે ચોટીલાના જાનીવડલાની ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે દરોડા પાડી 36 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. ખેડૂત સામે NDPS એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના જાનીવડલા ગામની સીમમાં ગોવિંદભાઈ રોજાસરા દ્વારા કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની પોલીસને બાતમી મળી હતી.








