ભાજપના પૂર્વ મંત્રી જ સરકાર સામે પડ્યા, રોજગાર સહાયતા અભિયાન ચલાવશે

ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા જવાહર ચાવડા સરકાર સામે પડ્યા છે.

ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા જવાહર ચાવડા સરકાર સામે પડ્યા છે. જવાહર ચાવડાએ હવે રોજગાર સહાયતા અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. જવાહર ચાવડા વિસાવદરમાં AAPના ગોપાલ ઇટાલિયાની જીત બાદ ફરી એક વખત સક્રિય થયા છે.

સ્ત્રીઓને ભ્રષ્ટાચારને કારણે કામ મળતું નથી-જવાહર ચાવડા

જાહેરાત

ભાજપના પૂર્વ મંત્રી રહી ચુકેલા જવાહર ચાવડાએ સ્ત્રીઓને રોજગાર મળે તે માટે રોજગાર સહાયતા અભિયાન શરૂ કર્યું છે. જવાહર ચાવડાએ કહ્યું કે, "દીકરી-બહેનો અને માતાઓને કહેવું છે કે રોજગાર સહાયતા અભિયાનમાં આપના પ્રતિભાવની જાણકારી મળી. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રીઓએ હજુ પણ પુરૂષો કરતા વધારે સંઘર્ષ કરવો પડે છે. આવડત અને લાયકાત હોવા છતા ભેદભાવ અને ભ્રષ્ટાચારને કારણે કામ નથી મળતું અને મળે તો યોગ્ય વળતર નથી મળતું. મને લાગે છે કે સમાજમાં માત્ર સ્ત્રીઓની કેળવણીની વાતો કરવાથી નહીં ચાલે, રોજગાર ઉભો કરવો પડશે અને યોગ્ય તકો આપવી પડશે."

કિરીટ પટેલ માટે પ્રચારમાં ના દેખાયેલા જવાહર ચાવડા હવે જાહેરમાં આવ્યા

જવાહર ચાવડા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન ભાજપના નેતા રહેલા કિરીટ પટેલના પ્રચાર પ્રસારમાં જોવા પણ મળ્યા નહતા. મુખ્યમંત્રીથી લઇને તમામ નેતાઓ કિરીટ પટેલના પ્રચારમાં આવ્યા હતા તેમ છતા જવાહર ચાવડા એક પણ વખત જાહેર સભા કે પ્રચારમાં જોવા મળ્યા નહતા. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર રહેલા કિરીટ પટેલને જે જે ગામોમાં જાકારો મળ્યો ત્યાં ત્યાં જવાહર ચાવડા પહોંચી રહ્યાં છે અને જનતાનો આભાર માની રહ્યાં છે. વિસાવદરમાં જવાહર ચાવડાને ભારોભાર સન્માન અને અપાર પ્રેમ મળી રહ્યો છે.

વિસાવદરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17,554 મતોથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં જવાહર ચાવડા ભાજપના ઉમેદવાર તરીકે નહોતા પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જીત બાદ 'જવાહર ચાવડા ઝિંદાબાદ'ના નારા લગાવ્યા હતા. આ ઘટનાએ જવાહર ચાવડાને વિસાવદરમાં ફરી સક્રિય થવા માટે પ્રેરિત કર્યા હોવાનું મનાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત