VIDEO : વરસાદને પગલે ખેડવા ડેમમાં પાણીની આવક વધી, હરણાવ નદીમાં બીજી વખત ઘોડાપૂર
સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદે હરણાવ નદીને બે કાંઠે વહેતી કરી દીધી. ઉ
સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદે હરણાવ નદીને બે કાંઠે વહેતી કરી દીધી. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેડવા ડેમમાં પાણીની આવક વધી, જેના પગલે હરણાવ નદીમાં પાણી છોડવામાં આવ્યું, અને બીજી વખત ઘોડાપૂર આવ્યું. નદીનું જળસ્તર વધતાં ખેડબ્રહ્મા નજીકનો કોઝવે બંધ કરાયો, અને સુરક્ષા માટે પોલીસ તૈનાત કરવામાં આવી. હરણાવ નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આજુબાજુના કૂવા, બોરવેલ અને તળાવોમાં પાણીની આવક વધશે. આ ઉપરાંત, હરણાવ નદીના નીરને કારણે ધરોઈ ડેમમાં પણ પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થશે.
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, જેના કારણે હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ખેડવા ડેમમાં 225 ક્યુસેક પાણીની આવક થતાં એક દરવાજો ખોલીને 225 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. આવક વધે તો વધુ બે દરવાજા ખોલાશે. ડેમમાંથી પાણી છોડાતાં નીચાણવાળા સાત ગામોને એલર્ટ કરાયા, પરંતુ સ્થાનિકો જીવના જોખમે ડેમના ગેટ પાસે હરણાવ નદીમાં માછલીઓ પકડતા જોવા મળ્યા. આશ્ચર્યજનક રીતે, સિક્યુરિટી ગાર્ડ પણ પ્રવાહમાં સ્થાનિકો સાથે જોવા મળ્યા હતા.







