VIDEO : છોટાઉદેપુરમાં ડોલોમાઈટ ઉદ્યોગને નળ્યું મોટું વિઘ્ન, આદિવાસી લોકોની રોજીરોટી માટે આજીજી...
છોટાઉદેપુર જિલ્લાનો એક માત્ર ડોલોમાઈટ ઉદ્યોગ જેને એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવામાં ના આવતા બંધ થયો છે. જેના લીધે ડોલોમા
છોટાઉદેપુર જિલ્લાનો એક માત્ર ડોલોમાઈટ ઉદ્યોગ જેને એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવામાં ના આવતા બંધ થયો છે. જેના લીધે ડોલોમાઈટ પથ્થરના પાવડર સાથે જોડાયેલા રંગોળીના ઉદ્યોગ પર પણ સીધી અસર પડી છે. આજે રંગોળી બનાવતા કારખાના બંધ થવાની કતારમાં આવી ગયા છે, જેને પગલે હજારો કામદારોની દિવાળી બગડી છે અને જે કારખાના ચાલી રહ્યા છે તે પણ હવે ટૂંક સમયમાં બંધ થવાની સંભાવનાને લઈ કામદારો માટે રોજીરોટીના સવાલ ઉભો થયો છે.
છોટાઉદેપુરના વનાર અને જામલા વિસ્તારોમાં આવેલ સફેદ પથ્થરોની 26 જેટલી ખાણો આવેલ છે. આ ખાણોમાંથી પથ્થર કાઢીને તેનો પાવડર બનાવતી લગભગ 132 જેટલી ફેક્ટરી આવેલી છે. જેનો ઉપયોગ ડિટર્જન પાવડર, સાબુ, પુટ્ટી, કલર, સિરામિક ટાઇલ્સ જેવા અનેક ઉદ્યોગમાં થતો હોય છે. જેમાં ખાસ કરીને દિવાળીના તહેવારમાં ઘરના આંગણે બનાવાતી રંગોળીના રંગ બનાવામાં કરવામાં આવે છે, આ રંગ છોટાઉદેપુરમાં આવેલ ફેક્ટરીઓમાં બને છે. કારખાનામાં સેકડો કામદારો કામ કરતા હોય છે પરંતુ હવે આ કામદારોને ચિંતા એ વાતની છે કે તેમની રોજીરોટી હવે છીનવાઈ જશે કારણ કે ખાણોમાંથી ફેક્ટરીમાં આવતો પથ્થર હવે બંધ થયો છે.
વર્ષોથી રંગોળીના રંગ બનાવતા ફેક્ટરીઓના માલિકોને પણ હવે ઉપાધી તેમના ધંધાની છે. પથ્થર આવતા જ બંધ થશે તો રંગોનો પાવડર કેમ કરીને બનાવશે? એક તરફ આ વર્ષે ભારે વરસાદને કારણે છોટાઉદેપુર તરફ આવતા માર્ગોના બ્રિજો બિસ્માર બનતા ટ્રાન્સપોર્ટની ગાડીઓ આવતી હતી તે બંધ થઈ છે, અને જે ગાડીઓ આવે છે તેને લાંબો ચકરાવો લગાવવો પડતો હોઈ ભાડુ ડબલ માંગતા હોવાથી પરવડતું નથી એટલે કે પડતા પર પાટુ સમાન સ્થિતિ ઊભી થઈ છે.
છેલ્લા ત્રણ માસથી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ આપવામાં ના આવતા હજારો લોકોની રોજીરોટીના સવાલ ઉભો થયો છે. આ વિસ્તારના આદિવાસી કામદારો માટે પણ હવે સવાલ એ ઊભો થયો છે કે તે હવે રોજગારી માટે ક્યાં જાય. આવનારા સમયમાં તેમણે વતન છોડવું પડે તેવી ચિંતા સેવી રહ્યા છે. જોકે તંત્રમાં વારંવારની રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રીને પણ કારખાનાના માલિકો અને લિઝ ધારાનો મળી ચૂક્યા છે. પણ કોઈ નિકાલ આવ્યો નથી. તેમનું કહેવું છે કે આ એક જ માત્ર છોટાઉદેપુરના ઉદ્યોગ છે જે બંધ થાય તો ઘણા લોકોની રોજીરોટી છીનવાઈ જવાની છે. જેથી જલ્દી કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરકાર લિઝ ધારકો અને કારખાનાના માલિકોની માંગ નહીં સંતોષે તો આવનારા સમયમાં હજારો લોકોની રોજીરોટી છીનવાઈ જવાની છે.








