મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Botad: ભીમડાદમાં લોકોના જીવ પર જોખમરૂપ જર્જરિત ટાંકી, જાનહાની થવાની સંભાવના

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામમાં પાણીના વિતરણ માટે ઉપયોગમા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામમાં પાણીના વિતરણ માટે ઉપયોગમાં લેવાતી 33 વર્ષ જૂની ટાંકી જર્જરિત હાલતમાં હોવાથી ગ્રામજનો માટે જીવલેણ જોખમ બની રહી છે. આ ટાંકીની આસપાસ રહેણાંકી મકાનો, ચરમાળીયા દાદાની દેરી અને હનુમાનજી મંદિર આવેલું છે. ટાંકીની રેલિંગ, પગથિયાં અને સ્લેબ તૂટી ગયા છે, અને લોખંડના સળિયા ખુલ્લા પડી ગયા છે, જેના કારણે સ્લેબ લટકતી હાલતમાં છે. આ ટાંકીની નજીકથી ગામનો મુખ્ય રસ્તો પસાર થાય છે, જ્યાંથી લોકોની સતત અવરજવર રહે છે. આ ઉપરાંત, ટાંકીની આસપાસના મેદાનમાં બાળકો રમતા હોય છે, જેના કારણે મોટી દુર્ઘટના કે જાનહાનિની ભીતિ રહેલી છે.

ગ્રામજનોનું કહેવું છે કે, આ ટાંકી સતત ઉપયોગમાં હોવા છતાં તેની જર્જરિત સ્થિતિને કારણે કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે છે. આથી તેને તાત્કાલિક સુરક્ષિત રીતે તોડી પાડવી જોઈએ. બીજી તરફ, ગામમાં પંચાયત દ્વારા નવી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી ગામના તમામ વિસ્તારોમાં પાણીનું વિતરણ થઈ શકે છે. જોકે, વ્યવસ્થાતંત્રની બેદરકારીને કારણે આ નવી ટાંકીનો હજુ સુધી ઉપયોગ શરૂ કરવામાં આવ્યો નથી.

ગ્રામજનોએ તંત્ર પાસે માંગ કરી છે કે જૂની ટાંકીને તાત્કાલિક તોડી પાડવામાં આવે અને નવી ટાંકીનો ઉપયોગ શરૂ કરવામાં આવે.  જેથી ગામના લોકોને આફતરૂપ બનેલા આ જોખમમાંથી રાહત મળે. આ ઘટનાએ સ્થાનિક વહીવટની નિષ્ક્રિયતા પર પણ સવાલો ઉભા કર્યા છે, અને ગ્રામજનો ઝડપથી કાર્યવાહીની અપેક્ષા રાખે છે.

આ સમાચાર શેર કરો