Video: BJP પદાધિકારીને જાહેર રોડ પર બર્થડે પાર્ટી ભારે પડી! નોધાઈ પોલીસ ફરિયાદ

સોર્સ: JATIN BAROT GSTV NEWS

અમદાવાદમાં સ્વચ્છતા અને જાહેર શિસ્તના નિયમોના પાલનની વાતો વચ્ચે ભાજપના જ પદાધિકારીઓની હરકત ચર્ચામાં આવી છે. સરદારનગરના ભાજપ યુવા મોરચાના મહામંત્રી રમેશ ભરવાડ ઉર્ફે બાંભા પણ જાહેર રોડ પર યોજાયેલી બર્થડે પાર્ટીમાં હાજર હતા. નરોડા પોલીસે કિશોર ઠાકોર સહિત 7 કારના માલિકો સામે ફરિયાદ નોંધી છે.

અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા, સ્વચ્છતા અને નાગરિકોની સુરક્ષાને લઈને તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ભાજપના જ પદાધિકારીની હાજરીમાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો મામલો સામે આવ્યો છે. સરદારનગરના ભાજપ યુવા મોરચાના મહામંત્રી રમેશ ભરવાડ ઉર્ફે બાંભા પણ આ ઉજવણીમાં સામેલ હોવાનું સામે આવતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

જાહેરાત

મળતી માહિતી મુજબ, ગત 5 નવેમ્બરની રાત્રે કિશોર ઠાકોરના જન્મદિવસની ઉજવણી માટે 108 કોલ સેન્ટરની સામે આવેલા જાહેર રોડ પર એકસાથે સાત કાર ઊભી રાખવામાં આવી હતી. કેટલીક કારના બોનેટ પર કેક મૂકીને બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી. જાહેર રસ્તાને જાણે ખાનગી પાર્ટી પ્લોટ સમજીને કરવામાં આવેલી આ ઉજવણી દરમિયાન રસ્તા પર ગંદકી પણ કરવામાં આવી હતી.

આ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં જ ઉજવણીમાં સામેલ લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને હાજર લોકો પોતાની કાર લઈને સ્થળ પરથી રવાના થઈ ગયા હતા.

સમગ્ર મામલે નરોડા પોલીસે કિશોર ઠાકોર સહિત અન્ય છ કારના માલિકો સામે ફરિયાદ નોંધી છે. ખાસ વાત એ છે કે GJ-18-EC-85 નંબરની ફોર્ચ્યુનર કારના માલિક અને ભાજપ યુવા મોરચાના સરદારનગર વોર્ડના મહામંત્રી રમેશ ભરવાડ ઉર્ફે બાંભા સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરીને રાહદારીઓની સુરક્ષા જોખમાય અને જાહેર માર્ગ પર અવરોધ ઊભો થાય તેવી પ્રવૃત્તિ સામે પોલીસ કાર્યવાહી થતાં હવે સવાલ એ ઊભો થયો છે કે, સામાન્ય નાગરિકો પાસેથી નિયમોના પાલનની અપેક્ષા રાખતા રાજકીય પક્ષોના પદાધિકારીઓ પોતે જ નિયમોનું પાલન ક્યારે કરશે? શું જાહેર રસ્તાઓ કોઈની અંગત ઉજવણી માટે છે? નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે કે પછી રાજકીય પદાધિકારીઓને પણ એટલા જ લાગુ પડે છે?

આ સમાચાર શેર કરો

જાહેરાત