મનોદિવ્યાંગોના પુનર્વસન માટે અનોખી પહેલ: હર્ષ સંઘવીએ સ્વયં દીવડાઓનું વેચાણ કર્યું

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મનોદિવ્યાંગ અને માનસિક બીમારીમાંથી સાજા થયેલા દર્દીઓના આર્થિક તેમજ સામાજિક પુનર્વસનને વેગ આપવા માટે એક અત્યંત સંવેદનશીલ અને પ્રેરણાદાયી પહેલ કરી છે. ગાંધીનગરના સેક્ટર ૨૧ સ્થિત મુખ્ય બજાર ખાતે નાયબ મુખ્યમંત્રીએ સ્વયં એક વેપારી બનીને મનોદિવ્યાંગજનો દ્વારા બનાવવામાં આવેલા દીવડાઓનું વેચાણ કર્યું હતું. તેમણે સામાન્ય વેપારીની જેમ ગ્રાહકો સાથે સંવાદ સાધીને આશરે રૂ. ૧.૯૦ લાખની કિંમતના ૩૫,૦૦૦ દીવડાઓનું વેચાણ કરાવીને મનોદિવ્યાંગોનો ઉત્સાહ બેવડાવ્યો હતો.
નવીન બસમાં મુસાફરી કરી પહોંચ્યા કાર્યક્રમ સ્થળે
વિશેષ વાત એ રહી કે નાયબ મુખ્યમંત્રી GSRTCની નવીન બસમાં મુસાફરી કરીને આ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. આ દીવડાઓ "નશા મુક્ત ગુજરાત - સ્વસ્થ યુવા, સશક્ત પરિવાર"ના સંકલ્પ હેઠળ તૈયાર કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ જાતે દીવડા વેચીને સમાજ સમક્ષ સામાજિક ઉત્થાન, સમાનતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દર્દીઓને સ્વનિર્ભર બનાવવાની તાલીમ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની માનસિક આરોગ્ય હોસ્પિટલ દ્વારા મનોદિવ્યાંગ દર્દીઓને સ્વનિર્ભર બનાવવા માટે વિવિધ પ્રકારની વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે. દર્દીઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્ક્રીન પ્રિન્ટિંગ, વણાટકામ, સિલાઈકામ, ફાઇલ મેકિંગ, રાખડી નિર્માણ, અગરબત્તી અને વુડન આર્ટિકલ્સ જેવી વસ્તુઓ બનાવવાની કામગીરી કરાવવામાં આવે છે.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ પ્રેરણારૂપ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી પ્રવિણ માળી, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રૂપસિંહ ઠાકોર, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને રીટા પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ અનિલ પટેલ સહિતના અનેક મહાનુભાવો અને નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






