મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાયડમાંથી બાંગ્લાદેશી યુવાન ઝડપાયો, વિઝા અને પાસપોર્ટ વગર કેવી રીતે ઘુસ્યો તેને લઇને ઉભા થયા સવાલ

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામતની માંગને લઇને શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું છે.

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામતની માંગને લઇને શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું છે. બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાતા અનેક લોકો ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યાં છે. આ વચ્ચે અરવલ્લીના બાયડમાંથી બાંગ્લાદેશી યુવાન ઝડપાયો છે. બાંગ્લાદેશી બાયડ વિઝા અને પાસપોર્ટ વગર કેવી રીતે આવ્યો તેને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે. બાંગ્લાદેશી યુવક એક યુવતીને મળવા માટે બાયડ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

યુવાન વિઝા અને પાસપોર્ટ વગર ઘૂસ્યો

મળતા અહેવાલ પ્રમાણે બાંગ્લાદેશથી યુવાન વિઝા અને પાસપોર્ટ વગર ઘૂસ્યો સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે દુબઈમાં રામોસ ગામની યુવતી કામ કરી રહી હતી તેની સાથે આ યુવાનને પરિચય થયો હતો. આ યુવાન યુવતીને મળવા માટે બાંગ્લાદેશથી બાયડ પહોંચ્યો હતો.

આ શખ્સની ઓળખ બશીર અહેમદ અબ્દુલ તરીકે થઈ

મહિલા પોલીસવડાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે SOGની ટીમ બાયડમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે વાત્રક પાસેથી શંકાસ્પદ શખ્સ છેલ્લા ઘણા સમયથી ફરી રહ્યો છે,આ બાતમીના આધારે. SOGની ટીમે આ શખ્સની અટકાયત કરી હતી. આ શખ્સની ઓળખ બશીર અહેમદ અબ્દુલ તરીકે થઈ છે અને આ શખ્સ બાંગ્લાદેશનો રહેવાસી છે. બીજી તરફ આ મામલે દેશની  14 નેશનલ એજન્સીને જાણ કરવામાં આવી છે.  અને આ શખ્સ છેલ્લા 16 દિવસથી બાયડમાં હતો.

મોબાઈલમાં ભારત વિરુદ્ધ મળ્યું લખાણ

પોલીસે તેના મોબાઈલની તપાસ કરતાં તેમાં ભારત વિરુદ્ધનું લખાણ પણ મળી આવ્યું હતું. આ યુવાનનો ઉદ્દેશ કોઈ બીજો છે કે શું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.  સમગ્ર મામલા અને તપાસને લઈ પોલીસવડા શેફાલી બારવાલે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.

11 બાંગ્લાદેશી નાગરિકો ભારતમાં ઘૂસણખોરી કરતા બોર્ડર પર ઝડપાયા

 બાંગલાદેશમાં તખ્તા પલ્ટા પછી ભારતની સરહદો પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી છે. તે વચ્ચે  11 બાંગ્લાદેશી નાગરિકો ભારતમાં ઘૂસણખોરી કરતા બોર્ડર પર ઝડપાયા છે. જેમાં પશ્ચિમ બંગાળા અને ત્રિપુરા બોર્ડર પરથી બે-બે અને મેઘાલય બોર્ડર પરથી સાત લોકોને ઝડપી પાડવામાં આવ્યાં છે. જેમાં ઝડપી પાડેલા તસ્કરની પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરીને આગળની કાર્યાવાહી હાથ ધરવામાં આવી છે. તેવામાં બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટની હિંસા પછી અનેક લોકો સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો