VIDEO: ગુજરાતના આ ગામમાં 13-13 વર્ષથી બની રહ્યું છે આંગણવાડીનું મકાન! આ ભવમાં બની જશે ને?
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા જેમલગઢ ગામના આલિયાઘોડા ફળીયામાં આજે

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા જેમલગઢ ગામના આલિયાઘોડા ફળીયામાં આજે પણ ઝૂંપડામાં આંગણવાડી ચાલી રહી છે. જ્યાં પાપા પગલી કરીને ભૂલકાઓ પોતાના ભાવિનું ઘડતર કરે છે. ત્યારે આ આંગણવાડી બાળકો માટે જીવના જોખમ સમાન બની ગઈ છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેમલગઢ ગામના આલિયાઘોડા ફળીયાની આંગણવાડીના ચોંકાવનારા દૃષ્યો સામે આવ્યા છે. અહીં વર્ષોથી એક એવા પ્રાઇવેટ કાચા મકાનમાં બાળકો બેસે છે જેની દશા જોઈને તમને દયા આવી જશે. આ મકાનને જોતા જ લાગે છે કે તેની દીવાલ અને છત કોઈ પણ સમયે ધરાશાયી થઈ શકે છે. વાલીઓનું કહેવું છે કે શિયાળા અને ઉનાળાની ઋતુમાં બાળકોને તકલીફ પડે જ છે. સાથો સાથ ચોમાસાના સમયે છત પર થી પાણી પણ પડે છે, જેના કારણે અહીં બાળકોને મોકલતા વાલીઓ ડરી રહ્યા છે.
આજના વિકાસશીલ ગુજરાતમાં નસવાડી તાલુકાના જેમલગઢ ગામ આલિયાઘોડા ફળિયાના બાળકોની દશા અતિ દયનીય છે. બાળકો કાચા અને જર્જરિત ઝૂંપડામાં બેસવા મજબૂર બન્યા છે. બાળકોના શિક્ષણના પ્રથમ પગથિયામાં જ જો જીવનું જોખમ ખેડવાનો વારો આવ્યો હોય એ સરકાર માટે એક શરમ જનક વાત કહી શકાય.
વર્ષોથી જ્યાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે, તેમના ઉપર નેતાઓ કે અધિકારીઓ ની નજર નથી પહોચતી. શહેરી વિસ્તારમાં શિક્ષણ માટે હાઈફાઈ આંગણવાડીઓ બનાવવામાં આવે છે, તો પછી અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકો પણ ગુજરાતનો જ એક ભાગ છે તો તેમના માટે શિક્ષણની સુવિધા કેમ નહીં?
હિના પટેલ (નસવાડી તાલુકા આંગણવાડી અધિકારી)
જોકે આંગણવાડી અધિકારીનું કહેવું છે કે, 2011મા મંજુર થયેલી અને જેનું 2012થી કામ ચાલુ છે. જેની કામગીરી હાલ પણ ચાલુ છે અને 20 ટકા બાકી છે. હવે વિચારો કે અધિકારી જ જણાવી રહ્યા છે કે, 13 વર્ષથી કામગીરી ચાલી રહી છે. હવે કેટલા વર્ષો નીકળશે તે આવનારો સમય બતાવશે.







