મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજ્યના 104 તાલુકામાં ભારે પવન સાથે માવઠું, ઝાડ, વીજળી પડવાની અલગ અલગ ઘટનામાં કુલ 5ના મોત

ગુજરાતના મોટાભાગના સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સતત બીજા દિવસે યથાવત રહ્યો

ગુજરાતના મોટાભાગના સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સતત બીજા દિવસે યથાવત રહ્યો છે. સોમવારે 104 તાલુકામાં માવઠું પડયું હતું. જેમાં ભાવનગરના સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગર શહેરમાં 1 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. વાવાઝોડાના કારણે રાજ્યભરમાં પાંચ વ્યક્તિઓના અલગ-અલગ ઘટનામાં મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

કયા તાલુકામાં વધારે વરસાદ? 

તાલુકો જિલ્લો વરસાદ (ઈંચ)
સિહોરા ભાવનગર 1.50
ભાવનગર ભાવનગર 1.00
માણસા ગાંધીનગર 1.00
નડિયાદ ખેડા 0.87
વડોદરા વડોદરા 0.80

સોમવારે સાંજે શહેરમાં વાવાઝોડા સાથે પડેલા તોફાની વરસાદમાં ઠેર - ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ઘણા સ્થળે વીજ વાયરો તૂટી પડયા હતા.

વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના મોત

વડોદરાના સુભાનપુરા અને લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે અન્ય 10 લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ-ધોળકા હાઇવે પર હોર્ડિંગ પડતાં એક રિક્ષા ચાલકનું અને આણંદ શહેરમાં દિવાલ પડતાં વૃદ્ધાનું મોત થયું છે. 

દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ

દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે ખંભાળિયા તાલુકાના ભાળથર, કેશોદ, વીંજલપર, કુવાડીયા, વડત્રા, સોનારડી, ભાતેલ, મોવાણ, ઓખા, મીઠાપુર સહિતના ગામોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદ નોંધાયો. હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદે ખેડૂતોના ઉનાળુ પાક જેમ કે તલ, બાજરી, અને મગને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું. તેજ પવનને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો છે, જેના પરિણામે ઘણા ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો.

પંચમહાલ જિલ્લામાં વાવાઝોડાનું રૌદ્વ સ્વરૂપ

પંચમહાલ જિલ્લામાં ગઈકાલે ભારે વાવાઝોડું અને કમોસમી વરસાદે તમામ તાલુકાઓમાં મોટું નુકસાન સર્જ્યું છે. ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રાતથી વીજ પુરવઠો ખોરવાયો છે, કારણ કે વાવાઝોડાને લીધે વૃક્ષો અને વીજ પોલ તૂટી પડ્યા હતા. આના પરિણામે ગોધરાના મોટાભાગના વિસ્તારોમાં વીજળી બંધ થતાં લોકો હેરાન-પરેશાન થયા છે.

ખેડૂતોને પણ આ વાવાઝોડું અને વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઉનાળુ પાક, કેરીના પાક અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું, જેનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સ્થાનિકો અને ખેડૂતો દ્વારા એમજીવીસીએલને વહેલી તકે વીજ પુરવઠો ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે.

નસવાડી તાલુકામાં ભારે પવન સાથે નુકસાન

નસવાડી તાલુકામાં ગત રાત્રે ફૂંકાયેલા તોફાની વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા, જેના પરિણામે સમગ્ર તાલુકામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર MGVCLના અધિકારીઓની નિષ્કાળજી અને સમયસર કાર્યવાહીના અભાવે વીજ પુરવઠો ચાલુ કરવામાં નિષ્ફળતા મળી છે. આ ઉપરાંત, અધિકારીઓ હેડક્વાર્ટર પર હાજર ન હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

વાવાઝોડાની અસરને કારણે અમુક વિસ્તારોમાં 12 કલાકથી વધુ સમય વીતવા છતાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત થયો નથી, જેના કારણે નાના બાળકો અને વૃદ્ધોને અસહ્ય ગરમીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વીજ પુરવઠાના અભાવે રાત્રે ભારે હોબાળો મચ્યો હતો.

ભરૂચના જંબુસર અને આમોદમાં ભારે વરસાદ

ભરૂચના જંબુસર અને આમોદમાં ભારે વાવાઝોડાને કારણે નોંધપાત્ર નુકસાન થયું છે. જંબુસર તાલુકાના ડાભા ગામે એક મકાનના પતરા ઉડી ગયા, જેનો વિડિયો પણ સામે આવ્યા છે. આમોદ તાલુકાના પૂરસા લીમડી ચોક ફળિયામાં પણ મકાનના પતરા ઉડ્યા. જંબુસરના પાચકડા રોડ પર વૃક્ષ ધરાશાયી થયું, જ્યારે રૂનાડ ગામે ચાર મકાનોના પતરા ઉડ્યા અને એક બીજા મકાનની છત પર પડતાં વધુ નુકસાન થયું. ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા, અને આમોદ-જંબુસર રોડ પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી...

આ સમાચાર શેર કરો