VIDEO: ખેડામાં પેપર મિલમાં લાગી વિકરાળ આગ, લાખો રુપિયાના નુકશાનની આશંકા
સુરત બાદ હવે ખેડામાંથી મોટી આગ લાગવાની ઘટના સામે આવી રહી છે જેમાં નડિયાદ મહેમદાવાદ રોડ વરસોલા ગામની પેપર મિલમાં આગ
સુરત બાદ હવે ખેડામાંથી મોટી આગ લાગવાની ઘટના સામે આવી રહી છે જેમાં નડિયાદ મહેમદાવાદ રોડ વરસોલા ગામની પેપર મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લામાં વરસોલાથી સમસ્તીપુર જવાના રસ્તા ઉપર આવેલી પેપર મિલમાં આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી પ્રમાણે શ્રી નારાયણ પેપર મિલમાં આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું.
મામલાની જાણ થતાં નડિયાદની ફાયર બ્રિગેડની ગાડીઓ આગ બુઝાવવાની કામગીરીમાં જોડાઈ છે. નડિયાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પણ વરસોલામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. લાખો રૂપિયાના પેપરનો જથ્થો આગમાં લપેટાઇ ગયો હતો જેમાં ભારે નુકશાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટના બની છે.
અરવલ્લીના ભિલોડાના સુનોખના જંગલોમાં આગ
ઉનાળાની શરૂઆત થતા જ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુનોખ ગામના જંગલમાં આગ લાગવાની ઘટના બની હતી. બપોરના સમયે જંગલ વિસ્તારમાં આવેલા ડુંગર પર આગ લાગી હતી. તાત્કાલિક લોકોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ વધુ વિકરાળ બનતી ગઈ હતી. ત્યારબાદ આ અંગે વન વિભાગને જાણ કરાઈ હતી. વન વિભાગે મોડાસા પાલિકાના ફાયર વિભાગને આ અંગે માહિતી આપી હતી. ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.






