Video: વડોદરામાં મોડી રાત્રે કેનાલ નજીક પ્રેમી યુગલ લૂંટાયો, અડાલજ જેવી ઘટના બનતા રહી ગઈ
વડોદરાના અંકોડિયા કેનાલ પર ત્રીજા નોરતે મોડી રાત્રે યુવક અને યુવતીને લૂંટારૂઓએ લૂંટી લીધા
વડોદરાના અંકોડિયા કેનાલ પર ત્રીજા નોરતે મોડી રાત્રે યુવક અને યુવતીને લૂંટારૂઓએ લૂંટી લીધા હોવાની ઘટના સામે આવી છે. બુકાનીધારી ત્રણ લૂંટારુઓએ બંનેને લૂંટી લીધા બાદ નાસી ગયા હતા.
તાજેતરમાં ગાંધીનગરના અડાલજ નજીક આવેલી નર્મદા કેનાલ પાસે મોડી રાત્રે કારમાં બર્થ ડે મનાવવા નીકળેલા યુવક અને યુવતીને લૂંટી લીધા બાદ સાયકો કિલરે યુવકની ઘાતકી હત્યા કરી નાખી હતી, જે બાદ આરોપી વિપુલ પરમારનું ઘટનાસ્થળે રિ-કંસ્ટ્રકશન દરમ્યાન એન્કાઉન્ટર થયું હતું. આ બનાવે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી હતી. ત્યારે મોડી રાત્રે કેનાલ નજીક આવો જ એક લૂંટનો બનાવ વડોદરામાં પણ બન્યો છે. અંકોડિયા કેનાલ પર ત્રીજા નોરતે મોડી રાત્રે 1 વાગ્યે યુવક અને યુવતીને બુકાનીધારી ત્રણ લૂંટારુઓએ લૂંટી લીધા બાદ નાસી ગયા હતા.
ગામના યુવકો કરી રહ્યા છે પેટ્રોલિંગ
આ બનાવ બાદ સતર્કતાને ભાગરૂપે રાત્રી દરમ્યાન અંકોડિયા કેનાલ પાસેનાં માર્ગો પર ગ્રામજનો અને યુવકો તૈનાત રહેશે. કેનાલ પાસેથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકોની પૂછપરછ પણ કરાઈ રહી છે. આ ઘટના બાદ તાલુકા પોલીસે માત્ર અરજી જ સ્વીકારી છે, જે બાદ વડોદરા તાલુકા પોલીસની પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે.












