મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

VIDEO: ભગવાનના દરબારમાં રાજા પણ સેવક! જાણો રથયાત્રાની સૌથી પવિત્ર પરંપરા 'છેરા પહેંરા' વિશે

દર વર્ષે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથ

તસવીર: gstv

દર વર્ષે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, રથયાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજ (દ્વિતીયા) તિથિએ કાઢવામાં આવે છે. આ રથયાત્રાની શરૂઆત જગન્નાથ મંદિરથી થાય છે, જ્યાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓ સ્થાપિત છે. રથયાત્રા દરમિયાન, ત્રણેય દેવતાઓ ભવ્ય રીતે શણગારેલા રથો પર સવાર થઈને તેમના માસીના ઘરે એટલે કે ગુંડિચા મંદિર જવા માટે નીકળે છે. આ રથોને ભક્તો પુરીના મુખ્ય માર્ગ પર દોરડા વડે ખેંચે છે. પરંતુ શું તમે જાણો છો કે જગન્નાથ રથયાત્રાની શરૂઆત એક ખૂબ જ ખાસ અને પવિત્ર પરંપરાથી થાય છે, જેને ‘છેરા પહેંરા’કહેવામાં આવે છે. અહીં જાણો કે 'છેરા પહેંરા' વિધિ શું છે, તેના વિના રથયાત્રા કેમ અધૂરી માનવામાં આવે છે અને તેનું મહત્વ શું છે?

શું છે આ ‘છેરા પહેંરા’ વિધિ?

આ એક અત્યંત અનોખી અને પવિત્ર પરંપરા છે, જેમાં પુરીના ગજપતિ મહારાજા (રાજા) એક સામાન્ય સેવક જેવા વસ્ત્રો પહેરીને સોનાની સાવરણીથી રથના માર્ગને ચંદન, જળ અને ફૂલોથી સાફ કરે છે. ગજપતિ મહારાજા પરંપરાગત રીતે તે વિસ્તારના રાજા માનવામાં આવે છે. આ પરંપરાનો સંદેશ એ છે કે ભગવાનની સામે રાજા હોય કે રંક, દરેક વ્યક્તિ સમાન છે. છેરા પહેંરાની આ વિધિ માત્ર રથયાત્રાની શરૂઆતમાં જ નહીં, પરંતુ જ્યારે રથ પાછા ફરે છે ત્યારે પણ કરવામાં આવે છે.

છેરા પહેંરા ક્યારે કરવામાં આવે છે?

પહેલી વાર (રથયાત્રાના પ્રારંભે): આ વિધિ રથયાત્રાના પ્રથમ દિવસે એટલે કે અષાઢ સુદ બીજના રોજ કરવામાં આવે છે. આ અનુષ્ઠાનને ભગવાનની યાત્રાની શુભ શરૂઆત અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે.

બીજી વાર (પરત યાત્રા વખતે): રથયાત્રાના 9 દિવસ પછી જ્યારે ભગવાન ગુંડિચા મંદિરથી પરત ફરીને જગન્નાથ મંદિર તરફ પ્રસ્થાન કરે છે (જેને 'બહુદા યાત્રા' કહેવાય છે), ત્યારે ફરીથી આ વિધિ પુનરાવર્તિત થાય છે.

આ બંને પ્રસંગોએ પુરીના ગજપતિ મહારાજા ભગવાનના સેવક બનીને રથની આગળ કચરો વાળે છે અને ચંદનનું પાણી છાંટે છે.

છેરા પહેંરા પાછળની પૌરાણિક કથા

એક લોકવાયકા અનુસાર, વર્ષો પહેલાં ઓડિશામાં સૂર્યવંશના વીર અને ધર્મપરાયણ રાજા ગજપતિ પુરુષોત્તમ દેવ શાસન કરતા હતા. તેઓ માત્ર રાજા નહોતા, પરંતુ પોતાની જાતને ભગવાન જગન્નાથના પરમ સેવક માનતા હતા. તે જ સમયે દક્ષિણ ભારતમાં કાંચી નામનું એક શક્તિશાળી રાજ્ય હતું. ત્યાંની રાજકુમારી પદ્માવતી પોતાની સુંદરતા અને ગુણો માટે પ્રખ્યાત હતી. રાજા પુરુષોત્તમ દેવ રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા.

તેમણે કાંચીના રાજા પાસે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. કાંચી નરેશ પ્રસ્તાવથી પ્રભાવિત થયા, પરંતુ તેમના મંત્રીએ વાંધો ઉઠાવતા કહ્યું કે, "આપણે આપણી પુત્રીના લગ્ન એવા રાજા સાથે કેવી રીતે કરી શકીએ, જે વર્ષમાં એકવાર સફાઈ કામદારની જેમ રથની આગળ કચરો વાળે છે?" આ સાંભળીને કાંચી નરેશે લગ્નનો પ્રસ્તાવ ફગાવી દીધો. આ વાતથી રાજા પુરુષોત્તમ દેવને ભારે દુઃખ થયું અને તેમણે ક્રોધિત થઈને પ્રતિજ્ઞા લીધી કે, "હું આ અપમાનનો બદલો યુદ્ધ જીતીને લઈશ અને રાજકુમારી પદ્માવતીના લગ્ન કોઈ સફાઈ કામદાર સાથે જ કરાવીશ."

રાજા પુરુષોત્તમ દેવ કાંચી નરેશ સામે પ્રથમ યુદ્ધ હારી ગયા, પરંતુ તેમણે હિંમત ન હારી. તેમણે ભગવાન જગન્નાથની આરાધના કરી અને એક વર્ષ પછી ફરીથી યુદ્ધ માટે નીકળ્યા. રસ્તામાં તેમને મણિકા નામની એક ગોવાળણ (દૂધ વેચનારી) મળી. તેમણે જણાવ્યું કે બે ઘોડેસવાર (એક શ્યામ અને એક ગોર વર્ણના) તેની પાસે આવ્યા હતા, તેમણે દહીં ખાધું અને પૈસાના બદલામાં રત્નજડિત વીંટી આપીને કહ્યું કે, "પાછળથી આવતા રાજાને આ વીંટી આપી દેજો, તેઓ દહીંના પૈસા ચૂકવી દેશે." જ્યારે રાજા પુરુષોત્તમ દેવે તે વીંટી જોઈ તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તે સ્વયં ભગવાન જગન્નાથની વીંટી હતી! રાજા સમજી ગયા કે આ યુદ્ધમાં ભગવાન જગન્નાથ અને બલભદ્ર તેમની સાથે છે.

ત્યારબાદ, રાજાએ કાંચી પર વિજય મેળવ્યો અને રાજકુમારી પદ્માવતીને બંદી બનાવીને પોતાના રાજ્યમાં લાવ્યા. તેમણે પોતાના મંત્રીને આદેશ આપ્યો કે રાજકુમારીના લગ્ન કોઈ યોગ્ય સફાઈ કામદાર સાથે કરાવી દેવામાં આવે. પરંતુ મંત્રી ખૂબ જ બુદ્ધિશાળી હતો, તેથી તે રાજકુમારીને પોતાના ઘરે લઈ ગયો અને યોગ્ય સમયની રાહ જોવા લાગ્યો.

બીજા વર્ષે જ્યારે જગન્નાથ રથયાત્રાનો સમય આવ્યો અને રાજા પુરુષોત્તમ દેવ ભક્તિભાવ પૂર્વક રથ આગળ 'છેરા પહેંરા' (સોનાની સાવરણીથી સફાઈ) ની વિધિ કરી રહ્યા હતા, ત્યારે જ મંત્રી રાજકુમારી પદ્માવતીને લઈને ત્યાં પહોંચ્યો. મંત્રીએ સભા સમક્ષ કહ્યું, "મહારાજ! તમે આ રાજકુમારીના લગ્ન કોઈ સફાઈ કામદાર સાથે કરાવવા કહ્યું હતું. આ જગતમાં ભગવાન જગન્નાથના સેવક (સફાઈ કામદાર) એવા તમારાથી શ્રેષ્ઠ અને યોગ્ય વર બીજો કોણ હોઈ શકે? માટે કૃપા કરીને આપ જ એમની સાથે લગ્ન કરો." રાજા મંત્રીની ચતુરાઈ જોઈને રાજી રાજી થઈ ગયા. તેમનો અહંકાર ઓગળી ગયો અને તેમણે પદ્માવતીનો પત્ની તરીકે સ્વીકાર કર્યો.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

 

આ વિધિની શીખ

આ પૌરાણિક કથા પછી, દર વર્ષે પુરીના ગજપતિ મહારાજા રથયાત્રા પૂર્વે રથના માર્ગની સફાઈ કરે છે. 'છેરા પહેંરા' પરંપરા આપણને શીખવે છે કે સાચું સન્માન સેવામાં છે, અહંકારમાં નહીં. ભગવાનના દરબારમાં બધા જ સમાન છે.

આ સમાચાર શેર કરો