કોણ હતો જાહેદી? ઇરાને જેના મોતનો બદલો લેતા જ અડધી દુનિયા બની ગઇ દુશ્મન
Israel Iran War: ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની શરૂઆત થઇ ગઇ છે. ઇરાન સીરિયામાં તેના ટોપ કમાન્ડર સહિત 13 લોકોના

Israel Iran War: ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની શરૂઆત થઇ ગઇ છે. ઇરાન સીરિયામાં તેના ટોપ કમાન્ડર સહિત 13 લોકોના મોતનો બદલો લઇ ચુક્યુ છે. હવે ઇઝરાયેલનો વારો છે. ઇઝરાયેલે પણ વોર કેબિનેટ બોલાવીને જડબાતોડ જવાબ આપવાની જાહેરાત કરી છે. જોકે, આ હુમલો ક્યા અને ક્યારે કરવામાં આવશે? તે સ્પષ્ટ કર્યું નથી. ઇઝરાયેલ પર 300થી વધુ બેલેસ્ટિક મિસાઇલ અને ડ્રોન છોડીને ઇરાન ઉજવણી કરી રહ્યું છે. ઇરાને ઓપરેશન ટુ પ્રોમિસને સફળ ગણાવ્યું છે.જોકે, આ અન્ય વાત છે કે ઇરાન દ્વારા છોડવામાં આવેલી 99 ટકા મિસાઇલોને હવામાં જ નષ્ટ કરવામાં આવી હતી. માત્ર 7 મિસાઇલ જ ધરતી સુધી પહોંચી શકી હતી.
ઇરાને ઇઝરાયેલ પર હુમલો કરીને જાણી જોઇને પશ્ચિમ એશિયામાં નવા યુદ્ધનો પ્રારંભ કર્યો છે. ઇરાને આવું કેમ કર્યું? કોણ હતો ઇરાનનો ટોપ કમાન્ડર જનરલ મોહમ્મદ રઝા જાહેદી? જેના મોતનો બદલો લેતા ઇરાનની અડધી દુનિયા દુશ્મન બની ગઇ. જાણકારી માટે તમને જણાવી દઇએ કે 2020માં અમેરિકન ડ્રોન હુમલામાં ઇરાને પોતાના મેજર જનરલ કાસિમ સુલેમાનીને ગુમાવી દીધા હતા. ચાર વર્ષ બાદ ઇરાને ઇઝરાયેલી હુમલામાં મોહમ્મદ રઝા જાહેદીના રૂપમાં પોતાનો બીજો સર્વોચ્ચ કમાન્ડર ગુમાવ્યો છે.
ઇરાને ઇઝરાયેલ પર હુમલો પોતાની ઇજ્જત બચાવવા માટે કર્યો છે.ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ટકરાવને લઇને તમામ દેશ-દુનિયાને અન્ય એક મહાયુદ્ધથી બચાવવામાં લાગેલા છે. ઇરાને સીરિયામાં તેના દૂતાવાસ પર થયેલા ઇઝરાયેલી હુમલાના એક દિવસ બાદ ચેતવણી આપી હતી કે તે ચુપ નહીં બેસે અને હુમલાનો જવાબ જરૂર આપશે.
કોણ હતા મોહમ્મદ રઝા જાહેદી?
ઇરાનનો ટોપ કમાન્ડર જાહેદીનો જન્મ 2 નવેમ્બર, 1960માં મધ્ય ઇરાનના ઇસ્ફહાનમાં થયો હતો. ઇરાનની 1979ની ક્રાંતિના બે વર્ષ બાદ, જ્યારે જાહેદી 19 વર્ષનો હતો ત્યારે તે IRGC (ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ)માં સામેલ થઇ ગયો હતો, તેના તુરંત બાદ, ઇરાને આઠ વર્ષ સુધી યુદ્ધ ઝેલ્યુ હતું. આ ત્યારની વાત છે જ્યારે ઇરાકના તત્કાલીન તાનાશાહ સદ્દામ હુસૈને ઇરાન પર હુમલો કર્યો હતો.
જાહેદી ધીમે ધીમે ઇરાનમાં પોતાની પહોંચ વધારતા રહ્યાં હતા. 1983થી 1986 સુધી તે IRGCના સંરક્ષણ દળોની એક બ્રિગેડની કમાન સંભાળી ચુક્યો હતો. જાહેદીના નેતૃત્વમાં બ્રિગેડે ઇરાન માટે કેટલાક મહત્ત્વપૂર્ણ ઓપરેશનોને અંજામ આપ્યા હતા. દુશ્મન માટે જાહેદી ડરનું બીજુ નામ બની ગયો હતો. તે બાદ જલ્દી તેને 14માં ઇમામ હુસેન ડિવીઝનના કમાન્ડરના રૂપમાં બઢતી આપવામાં આવી હતી. 1991 સુધી તે આ પદ પર રહ્યાં હતા.
2005માં જાહેદીએ કેટલાક સમય માટે રિવોલ્યૂશનરી ગાર્ડની વાયુ સેનાના કમાન્ડરનું પદ સંભાળ્યું હતું. આ વર્ષે તેમણે IRGC ગ્રાઉન્ડ ફોર્સની કમાન સોપવામાં આવી હતી, આ પદ પર તે ત્રણ વર્ષ રહ્યાં હતા. આ દરમિયાન તેમણે થાર-અલ્લાહ કાર્યાલયના ટાઇટલ પર પણ એક સવાલ ઉઠાવ્યો હતો. 2016થી 2019 સુધી બ્રિગેડિયર જનરલના રૂપમાં જાહેદીએ IRGCના ડેપ્યુટીના રૂપમાં પણ કામ કર્યું હતું.








