પોપ લિયો 14ને ફેફસાંનું કેન્સર! 90 મિનિટની સર્જરીમાં ફેફસાનો ભાગ કાઢ્યો, હવે કેવી છે હાલત?

ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ લિયો 14ને ફેફસાંનું કેન્સર (Lung Cancer) હોવાનું સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, વેટિકન દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં તેમની બીમારી અંગે માહિતી આપવામાં આવી હતી. ડૉક્ટરોએ લગભગ 90 મિનિટ સુધી ચાલેલી સર્જરી દરમિયાન તેમના જમણા ફેફસાના નીચેના ભાગને કાઢી નાખ્યો છે. હાલ પોપ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોપ લિયોને કયા પ્રકારનું કેન્સર થયું?
અહેવાલો મુજબ, 71 વર્ષીય પોપ લિયોમાં ફેફસાંના એડિનોકાર્સિનોમા (Adenocarcinoma)ની પુષ્ટિ થઈ છે. આ ફેફસાંના કેન્સરનો એક પ્રકાર છે. અગાઉ રવિવારે પ્રાર્થના દરમિયાન તેમણે ફેફસાંમાં ગાંઠ હોવાની માહિતી આપી હતી અને તેને દૂર કરાવવાની વાત કરી હતી. તેમના 17 મહિનાના કાર્યકાળ દરમિયાન સામે આવેલી આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાને પગલે ચર્ચા તેજ બની છે.
સર્જરી બાદ કેવી છે તબિયત?
અહેવાલો અનુસાર, મંગળવારે સાંજે શરૂ થયેલી સર્જરી કોઈ મોટી જટિલતા વિના પૂર્ણ થઈ હતી. ઓપરેશન બાદ પોપ લિયો સામાન્ય રીતે ભાનમાં આવી ગયા હતા અને હોસ્પિટલના રૂમમાં આરામ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે, જો ગાંઠ પ્રારંભિક તબક્કામાં જ દૂર કરવામાં આવી હોય તો સાજા થવાની શક્યતાઓ સારી હોઈ શકે છે. જોકે, તેમની સંપૂર્ણ તબીબી સ્થિતિ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
20 ઑક્ટોબર સુધીના તમામ કાર્યક્રમો રદ
સર્જરી બાદ પોપ લિયોને લગભગ એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રાખવામાં આવે તેવી શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને 20 ઑક્ટોબર સુધીના તેમના તમામ જાહેર અને સત્તાવાર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં તેઓ 6થી 17 નવેમ્બર દરમિયાન ઉરુગ્વે, આર્જેન્ટિના અને પેરુના 11 દિવસના પ્રવાસે જવાના છે.
કોણ છે પોપ લિયો 14?
પોપ લિયો 14નું મૂળ નામ રોબર્ટ પ્રેવોસ્ટ છે. તેમનો જન્મ વર્ષ 1955માં અમેરિકાના શિકાગોમાં થયો હતો. મે 2025માં કાર્ડિનલ્સ દ્વારા તેમની કેથોલિક ચર્ચના વડા તરીકે પસંદગી કરવામાં આવી હતી. વિશ્વભરમાં કેથોલિક ચર્ચના આશરે 1.4 અબજ અનુયાયીઓ છે. પોપના સ્વાસ્થ્યને લઈને વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં ચિંતા જોવા મળી રહી છે.








