હૉર્મુઝમાં માલવાહક જહાજ દરિયાઈ માઈન સાથે અથડાયું, 2,500 કન્ટેનર દરિયામાં ગરકાવ

સ્ટ્રેટ ઑફ હૉર્મુઝમાંથી એક મોટી ઘટના સામે આવી છે. અહીં દરિયાઈ બારૂદી સુરંગ સાથે ટકરાયા બાદ 2,500 કન્ટેનર લઈને જઈ રહેલું એક મોટું માલવાહક જહાજ સમુદ્રમાં ડૂબી ગયું છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કૉર્પ્સ એટલે કે IRGCની નૌકાદળે બુધવારે જહાજ ડૂબવાની માહિતી આપી હતી.
દરિયાઈ માઈન સાથે ટકરાયું જહાજ
ઈરાનના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે આશરે 6:30 વાગ્યે જહાજ દરિયાઈ માઈન સાથે ટકરાયું હતું, જેના કારણે તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ વિસ્ફોટથી જહાજના તળિયામાં મોટું છિદ્ર પડી ગયું હતું, અને પાણી ભરાઈ જવાથી થોડી જ મિનિટોમાં આખું જહાજ દરિયામાં ગરકાવ થઈ ગયું હતું. જહાજ પર રહેલા તમામ 2,500 કન્ટેનર સમુદ્રના મોજાઓમાં વિખેરાઈ ગયા હતા. વર્તમાન સંઘર્ષ દરમિયાન ઈરાને પ્રથમ વખત કોઈ જહાજ દરિયાઈ માઈન સાથે ટકરાઈને ડૂબી ગયાની પુષ્ટિ કરી છે.
પહેલા આગ લાગી, પછી જહાજ ડૂબ્યું
ઈરાનના સરકારી ટેલિવિઝને રિવોલ્યુશનરી ગાર્ડ્સના નિવેદનને ટાંકીને જણાવ્યું કે, આ જહાજ મધ્ય પૂર્વથી એશિયા તરફ માલસામાન લઈને જઈ રહ્યું હતું. ઈરાને દાવો કર્યો હતો કે, જહાજ અનધિકૃત અને જોખમી માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જહાજમાંથી ધુમાડાના ગોટા નીકળતા અને ધીમે ધીમે જહાજ ડૂબતું નજરે પડે છે. જોકે, આ ઘટના અંગે હજુ પણ અનેક મહત્વના સવાલોના જવાબ મળવાના બાકી છે. જહાજ કયા દેશનું હતું, તેમાં કેટલા લોકો સવાર હતા, અને ક્રૂ મેમ્બર્સની સ્થિતિ શું છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
હૉર્મુઝમાં જહાજોની અવરજવર પર સંકટ
હૉર્મુઝની સમુદ્રધૂની વૈશ્વિક વેપાર અને ઉર્જા પુરવઠાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. ફારસની ખાડીને અરબ સાગર સાથે જોડતો આ સાંકડો માર્ગ તેલ અને ગેસની આંતરરાષ્ટ્રીય સપ્લાય માટે સીમાચિહ્નરૂપ છે. અહીં સૈન્ય તણાવ વધવાથી વૈશ્વિક સપ્લાય ચેઈન અને તેલના પુરવઠા પર મોટી અસર પડી શકે છે. ઈરાન સતત ચેતવણી આપી રહ્યું છે, કે તેની મંજૂરી વિના આ જળમાર્ગમાંથી પસાર થવાનો પ્રયાસ કરનારા જહાજો માટે જોખમ ઊભું થઈ શકે છે.








