મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઈરાનની દાદાગીરી સામે 60થી વધુ દેશો લાલઘૂમ! હોર્મુઝ સ્ટ્રેટમાં વસૂલાત પર મોટો ભડકો

ઈરાનની દાદાગીરી સામે 60થી વધુ દેશો લાલઘૂમ! હોર્મુઝ સ્ટ્રેટમાં વસૂલાત પર મોટો ભડકો

હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જહાજો પાસેથી વસૂલાત કરવાના અને અવરજવર પર નિયંત્રણો લાદવાના પ્રયાસો સામે વિશ્વના 60થી વધુ દેશોએ એક થઈને વિરોધ નોંધાવ્યો છે. યુરોપિયન યુનિયન (EU) દ્વારા રજૂ કરવામાં આવેલી એક મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઘોષણામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર કોઈ પણ પ્રકારનો ગેરકાયદે ટેક્સ કે ફી સહન કરવામાં આવશે નહીં. આ પગલું આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ જહાજોની મુક્ત અને કાયદેસરની અવરજવરના રક્ષણ માટે ભરવામાં આવ્યું છે.

'નો ફી, નો ટોલ' વૈશ્વિક પ્રતિબદ્ધતા: યુરોપિયન યુનિયનની પહેલ

યુરોપિયન યુનિયનના તમામ સભ્ય દેશો સહિત ઓસ્ટ્રેલિયા, જાપાન, યુનાઇટેડ કિંગડમ, કેનેડા અને સિંગાપોર જેવા 33 અન્ય દેશોએ આ વૈશ્વિક પ્રતિબદ્ધતાને પોતાનો ટેકો આપ્યો છે. યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા કાજા કલ્લાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 'આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગો દરેક દેશ માટે ખુલ્લા હોવા જોઈએ, નહીં કે માત્ર પૈસા ચૂકવી શકે તેવા લોકો માટે. આ એક મજબૂત રાજદ્વારી સંદેશ છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોને કમાણી કે રાજકીય લાભનું સાધન બનાવી શકાય નહીં.'

વૈશ્વિક વેપાર માટે આ ઘોષણાનું મહત્ત્વ

આંતરરાષ્ટ્રીય સામુદ્રધુનીઓ એ બે મોટા સમુદ્રોને જોડતા સાંકડા સમુદ્રી માર્ગો છે, જે વિશ્વભરમાં ઓઇલ, કુદરતી ગેસ, અનાજ અને અન્ય ચીજવસ્તુઓની આયાત-નિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ઈરાન અને ઓમાન વચ્ચે આવેલી હોર્મુઝ સ્ટ્રેટ વ્યૂહાત્મક દ્રષ્ટિએ વિશ્વના સૌથી મહત્ત્વના જળમાર્ગોમાંથી એક છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પહેલાં વિશ્વના કુલ ઓઇલ અને પ્રવાહી કુદરતી ગેસ (LNG) પુરવઠાનો લગભગ પાંચમો ભાગ આ માર્ગેથી પસાર થતો હતો. તેથી, હોર્મુઝ માર્ગ પરના કોઈ પણ પ્રતિબંધોની સીધી અસર વૈશ્વિક ઊર્જા પુરવઠા, પરિવહન ખર્ચ અને આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન પર પડે છે.

ઈરાનનો દાવો અને હોર્મુઝ માર્ગ પર અસરો

હાલમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના વરિષ્ઠ સલાહકારે દાવો કર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની સશસ્ત્ર દળોનું સંપૂર્ણ નિયંત્રણ છે અને ઈરાનની વાજબી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આ પરિસ્થિતિ ચાલુ રહેશે. તેમણે ગેરકાયદેસર ગણાવેલા કેટલાક માર્ગો બંધ કરવાની પણ ચેતવણી આપી છે. બીજી તરફ, શિપિંગ ડેટા દર્શાવે છે કે આ વિવાદના કારણે આ માર્ગ પરથી પસાર થતા માલવાહક જહાજોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે અને સમુદ્રી વેપાર પર તેની માઠી અસર પડી છે.

સંયુક્ત રાષ્ટ્રના કાયદા હેઠળ સુરક્ષાની માંગ

આ ઘોષણામાં સંયુક્ત રાષ્ટ્રના સમુદ્રી કાયદા અંગેના કન્વેન્શન (UNCLOS)નો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાગીદાર દેશોએ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન (IMO) જેવા મંચો દ્વારા સમુદ્રી સુરક્ષા અને નિયમ-આધારિત નેવિગેશન સિસ્ટમની રક્ષા માટે એકજૂથ થઈને કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે મુક્ત સમુદ્રી પરિવહન જળવાઈ રહે તે માટે કોઈપણ દેશ દ્વારા લાદવામાં આવતા ગેરકાયદે ટેક્સ, ભેદભાવપૂર્ણ પ્રતિબંધો કે પૂર્વ મંજૂરી જેવી શરતોનો વૈશ્વિક સ્તરે વિરોધ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો