VIDEO: અમેરિકાની સેનાએ ઈરાનના ભૂગર્ભ લશ્કરી થાણાઓ પર કર્યો ભારે બોમ્બમારો, ઈરાની લશ્કરી શક્તિઓને કર્યો ટાર્ગેટ
૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ શરૂ થયેલ યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ૩૩ દિવસથી ચાલી રહ્યું છે. આ ત્રણ રાષ્ટ્રો વચ્ચે ઉદ્ભવતા, આ સંઘર્ષે ઘણા આરબ દેશોને પણ ઘેરી લીધા છે. હવે અમેરિકાએ ઈરાનના ભૂગર્ભ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.
ઈરાની શાસનની લશ્કરી શક્તિને નબળી પાડવાનો પ્રયાસ- અમેરિકા
મળતા અહેવાલ પ્રમાણે યુ.એસ. સૈન્યએ ઈરાનની અંદર ભૂગર્ભ લશ્કરી થાણાઓ પર ટાર્ગેટ કરીને નષ્ટ કરવાનું શરૂ કર્યું છે. અમેરિકાની સેનાએ ટાર્ગેટ સેટ કરીને સચોટ દારૂગોળોનો ઉપયોગ કરીને ઘાતક હુમલાઓ શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ મામલે અમેરિકાે જણાવ્યું કે આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય ઈરાની શાસનની લશ્કરી શક્તિને નબળી પાડવાનો છે, જેનાથી તેની સરહદોની બહાર તેનો પ્રભાવ ખતમ થઈ જશે. અમેરિકાની સેનાએ લશ્કરી ઠાણાઓ પરના હુમલાના વિડીયો પણ જાહેર કર્યા છે.
અમેરિકા વધુ ઘાતક હુમલો કરશે- ટ્રમ્પ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટમાં લખ્યું કે, મધ્ય-પૂર્વમાં ચાલતું યુદ્ધ ઝડપથી બંધ કરવા માટે કોઈ ડીલ નહીં થાય અને હોર્મુઝની ખાડીની નાકાબંધી દૂર નહીં થાય તો અમે ઈરાનના બધા જ વીજળી પેદા કરતા પ્લાન્ટ, ઓઈલના કુવા, ખાર્ગ આઈલેન્ડ, પાણી શુદ્ધ કરવાના ડિસેલિનેશન પ્લાન્ટને ઉડાવી દઈશું, જેના પર અમે હજુ સુધી ઈરાદાપૂર્વક હુમલા કર્યા નથી. અમે ઈરાનને સંપૂર્ણપણે ખતમ કરી નાંખીશું.
પ્રમુખની ટ્રમ્પની આ ચેતવણીએ મધ્ય-પૂર્વમાં ભારે હોબાળો મચાવી દીધો
પ્રમુખની ટ્રમ્પની આ ચેતવણીએ મધ્ય-પૂર્વમાં ભારે હોબાળો મચાવી દીધો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે હાલમાં સૌથી મોટું જોખમ એ નથી કે ટ્રમ્પ શું કરી શકે છે, પરંતુ એ છે કે ઈરાન વળતા જવાબમાં શું કરી શકે છે. ઈરાન પોતાના એક નાના ભાગ માટે પાણીને શુદ્ધ કરતા ડિસેલિનેશન પ્લાન્ટ પર નિર્ભર છે, પરંતુ અખાતના અન્ય આરબ દેશો વ્યાપક સ્તર પર પાણી શુદ્ધ કરવાના પ્લાન્ટ પર નિર્ભર છે. ફારસની ખાડીના કિનારે અનેક ડિસેલિનેશન પ્લાન્ટ છે, જે લાખો લોકોને પીવાના પાણીનો સપ્લાય કરે છે અને આ બધા જ પ્લાન્ટ ઈરાનના મિસાઇલ અથવા ડ્રોન હુમલાની રેન્જમાં છે. આ પ્લાન્ટ વિના અખાતના દેશોના મોટા શહેરો જેમ કે યુએઈનું દુબઈ અને અબુ ધાબી અથવા કતરની રાજધાની દોહા કે સાઉદી અરબનું રિયાધ પોતાની વર્તમાન વસતીને સંભાળી નહીં શકે.

