ન ઘરના ન ઘાટના: વનુઆતુના PMએ લલિત મોદીનો પાસપોર્ટ રદ કરવા આપ્યા આદેશ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ભૂતપૂર્વ ચેરમેન અને નાણાકીય ગેરરીતિઓના આરોપી લલિત મોદીને મોટો ઝટકો લાગ્

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ભૂતપૂર્વ ચેરમેન અને નાણાકીય ગેરરીતિઓના આરોપી લલિત મોદીને મોટો ઝટકો લાગ્યો છે. વનુઆતુના વડા પ્રધાને તેમનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. લલિત મોદીએ થોડા દિવસો પહેલા લંડન સ્થિત ભારતીય દૂતાવાસમાં પોતાનો ભારતીય પાસપોર્ટ પણ સરેન્ડર કર્યો હતો. આવી સ્થિતિમાં, લલિત મોદી એવી સ્થિતિમાં છે કે જ્યાં તેઓ 'ન ઘરના ન ઘાટના' જેવો ઘાટ સર્જાયો છે.
ભાગી ગયા બાદ લલિત મોદી લંડનમાં રહેતો હતો
વિદેશ મંત્રાલયે પુષ્ટિ આપી હતી કે લલિત મોદીએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી છે. 2010માં ભારતથી ભાગી ગયા બાદ લલિત મોદી લંડનમાં રહેતો હતો. તેમણે અનેક વખત ઇન્ટરવ્યુ આપ્યા છે અને પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા પછી, એવું બહાર આવ્યું કે તેણે પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુ દેશ વનુઆતુનું નાગરિકત્વ લીધું છે. તેમની પાસે ગોલ્ડન પાસપોર્ટ છે. વનુઆતુ શ્રીમંત લોકોને તેના દેશની નાગરિકતા ખરીદવાની મંજૂરી આપે છે. ત્યાંથી પાસપોર્ટ ફક્ત 1.3 કરોડ રૂપિયા ખર્ચીને મેળવી શકાય છે. જોકે, અહેવાલોમાં જણાવાયું છે કે વનુઆતુના પીએમએ તેમના નાગરિકતા આયોગને તેમનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે.
હજુ સુધી એ જાણી શકાયું નથી કે વનુઆતુએ આ પગલું પોતાની મેળે લીધું છે કે ભારતના હસ્તક્ષેપ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વનુઆતુને ફ્રાન્સ અને બ્રિટનથી 1980 માં જ સ્વતંત્રતા મળી. હાલમાં, 83 નાના જ્વાળામુખી ટાપુઓથી બનેલા આ દેશની કુલ વસ્તી ફક્ત ત્રણ લાખની આસપાસ છે. આ દેશ પર્યટનની દ્રષ્ટિએ ઘણો સારો માનવામાં આવે છે.
શું ભારત તરફથી દબાણ હતું?
લલિત મોદીએ ભારતીય એજન્સીઓના ચુંગાલમાંથી છટકી જવા માટે સંપૂર્ણ યોજના બનાવી હતી. એવું માનવામાં આવતું હતું કે બીજા દેશની નાગરિકતા મેળવ્યા પછી, તેનું પ્રત્યાર્પણ ખૂબ મુશ્કેલ બની જશે. વનુઆતુ મીડિયામાં એવા અહેવાલ છે કે ભારતના દબાણ બાદ જ વહીવટીતંત્રે લલિત મોદી સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લલિત મોદીનો પાસપોર્ટ રદ કરાવવામાં ન્યુઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર નીતા ભૂષણે મોટી ભૂમિકા ભજવી હતી. વનુઆતુને પહેલા લલિત મોદીના રેકોર્ડની જાણ નહોતી. તેના ભાગેડુ હોવાની માહિતી મળ્યા બાદ, તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.







