અમેરિકામાં ગૌતમ અદાણી સામેના ત્રણ કેસમાં યુએસ કોર્ટમાંથી મોટું અપડેટ, જાણો વિગત
અમેરિકાની કોર્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્યો સામે લાંચના કેસમાં દાખલ કર

અમેરિકાની કોર્ટે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્યો સામે લાંચના કેસમાં દાખલ કરાયેલા ફોજદારી અને દીવાની કેસોને 'ઇન્ટરલિંક્ડ' ગણાવીને ફોજદારી કેસ સંભાળતા ન્યાયાધીશને સોંપી દીધા છે.
ગૌતમ અદાણી સામેના ત્રણ કેસ જિલ્લા ન્યાયાધીશ નિકોલસ ગેરૌફિસને સોંપવામાં આવ્યા
અમેરિકામાં ન્યુયોર્કના પૂર્વીય જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ ઓર્ડર જણાવે છે કે અદાણી અને અન્ય સાથે સંબંધિત ત્રણેય કેસ જોડાયેલા છે, તેથી આ કેસને જિલ્લા ન્યાયાધીશ નિકોલસ ગેરૌફિસને સોંપવામાં આવ્યા છે.
આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, ન્યાયિક પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવા અને વિરોધાભાસી સમયપત્રકને ટાળવા ત્રણેય કેસોને 'ઇન્ટરલિંક્ડ' તરીકે ચિન્હિત કરવામાં આવ્યા છે. આ ત્રણેય કેસ દાખલ કરવામાં આવેલા પ્રથમ આરોપ માટે નિયુક્ત કરાયેલા ન્યાયાધીશને સોંપવામાં આવશે, જે યુએસ વિરુદ્ધ અદાણી અને અન્યનો કેસ હતો, જેનો આદેશ મેજિસ્ટ્રેટ જજ વેરા એમ સ્કેનલોન દ્વારા 12 ડિસેમ્બર, 2024ના રોજ આપવામાં આવ્યો હતો.
ગૌતમ અદાણી સામેના ત્રણ કેસ
- USA v. Adani et al., 24 Crim. 433 (NGG) - ક્રિમિનલ કેસ
- Securities and Exchange Commission v. Adani et al., 24 Civ. 8080 (VMS) - સિવિલ કેસ
- Securities and Exchange Commission v. Cabanes, 24 Civ. 8081 (VMS) - સિવિલ કેસ
ન્યૂયોર્ક ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે આ ત્રણેય કેસ સમાન આરોપો પર આધારિત છે અને સમાન વ્યવહારો અથવા ઘટનાઓમાંથી ઉદ્ભવે છે. હવે આ કેસ જિલ્લા ન્યાયાધીશ નિકોલસ ગેરૌફિસને સોંપવામાં આવ્યો છે.
ગૌતમ અદાણી સામે શું છે આરોપો ?
અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા કેસને લઈને ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હલચલ મચી ગઈ છે.
લાંચઃ સૌથી મોટો આરોપ એ છે કે અદાણીએ ભારતમાં સોલાર પાવર પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને મોટી લાંચ આપી હતી.
છેતરપિંડીઃ એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે અદાણીએ અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી કરી હતી અને તેમને ખોટી માહિતી આપીને રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા.
ગેરકાયદેસર નાણાં મેળવ્યાઃ અદાણી પર ગેરકાયદેસર રીતે નાણાં મેળવવા અને તેની કંપનીઓમાં તેનો ઉપયોગ કરવાનો આરોપ છે.
આ ત્રણ કેસ યુએસ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેની સુનાવણી ચાલી રહી છે. અદાણી ગ્રુપે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ભારત સરકારે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.








