ટ્રમ્પના જમાઈ કુશનર પાકિસ્તાન જવા રવાના, ઈરાને કહ્યું- અમે અમેરિકી અધિકારીઓ સાથે સીધી મુલાકાત નહી કરીએ
દુનિયાભરના બજારોને હચમચાવી નાખનાર અને હજારો લોકોનો ભોગ લેનાર જંગને રોકવા માટ

દુનિયાભરના બજારોને હચમચાવી નાખનાર અને હજારો લોકોનો ભોગ લેનાર જંગને રોકવા માટે ફરી એકવાર રાજદ્વારી પ્રયાસો તેજ થયા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂતો આજે પાકિસ્તાન જવા રવાના થઈ રહ્યા છે. જોકે, બીજી તરફ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ અમેરિકી અધિકારીઓ સાથે સીધી મુલાકાત નહી કરે.
મંત્રણા માટે કોણ કોણ મેદાનમાં?
અમેરિકા તરફથી રાષ્ટ્રપ્રમુખના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશનર શનિવારે સવારે પાકિસ્તાન પહોંચશે. જરૂર પડ્યે ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ પણ જોડાય તેવી શક્યતા છે. તો બીજી તરફ ઈરાન તરફથી વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી શુક્રવારે જ ઇસ્લામાબાદ પહોંચી ગયા છે. જ્યારે પાકિસ્તાન આ મંત્રણામાં મુખ્ય મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે.
ઈરાનનો ઇનકાર અને ટ્રમ્પનો દાવો
ઈરાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું છે કે, તેમના અધિકારીઓ અમેરિકી પ્રતિનિધિઓને મળશે નહીં. ઈરાન પોતાની વાત મધ્યસ્થી પાકિસ્તાન મારફતે જ અમેરિકા સુધી પહોંચાડશે. બીજી તરફ, ટ્રમ્પે મીડિયાને જણાવ્યું હતું કે, ઈરાન એક ઓફર આપવાની તૈયારીમાં છે, જે અમેરિકાની શરતોને સંતોષી શકે, જોકે તે ઓફર શું છે તેની વિગતો હજુ જાહેર થઈ નથી. અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે પણ ઈરાનને ચેતવણી ભર્યા સૂરે કહ્યું છે કે, "ઈરાન પાસે સમજદારીપૂર્વક પસંદગી કરવાની તક છે. તેમણે માત્ર પ્રમાણિત કરી શકાય તે રીતે પરમાણુ હથિયારોનો ત્યાગ કરવાનો રહેશે."
વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો
આ સંઘર્ષ હવે નવમા સપ્તાહમાં પ્રવેશ્યો છે, જેના કારણે વિશ્વભરમાં મોંઘવારીનો આંકડો વધી રહ્યો છે. શાંતિ મંત્રણામાં અનિશ્ચિતતાને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આ સપ્તાહે 16% નો ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે હોર્મુઝ રૂટ લગભગ ઠપ્પ છે. યુદ્ધ પહેલા અહીંથી રોજની 130 શિપ પસાર થતી હતી, જે હવે ઘટીને માત્ર 5 પર પહોંચી ગઈ છે.
યુદ્ધની વર્તમાન સ્થિતિ
વ્હાઇટ હાઉસની દરમિયાનગીરીથી ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ 3 અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યો છે. તેમ છતાં દક્ષિણ લેબનોનમાં છૂટાછવાઈ હિંસા ચાલુ છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે લેબનોનમાં સંપૂર્ણ યુદ્ધવિરામ એ મંત્રણા માટેની પ્રથમ શરત છે. હવે આખાય વિશ્વની નજર ઇસ્લામાબાદની સેરેના હોટલ પર ટકેલી છે, જ્યાં અગાઉ પણ સેમિ ફાઇનલ સમાન મંત્રણાઓ નિષ્ફળ રહી હતી. શું આ વખતે ટ્રમ્પની ટીમ કોઈ "ગુડ ડીલ" પાર પાડી શકશે?







