વજન ઘટાડતી દવાઓ પાછળ છુપાયેલું છે આ રહસ્ય! શરીર પર આની ગંભીર આડઅસરોના જોખમનો આરોપ!
શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમેરિકાના રણમાં ફ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમેરિકાના રણમાં ફરતી એક ઝેરી ગરોળી માણસના વજનને નિયંત્રિત કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે? હા, આ વાત બિલકુલ સાચી છે. આજે હોલિવૂડ સેલિબ્રિટીઝથી લઈને સામાન્ય લોકોમાં વજન ઘટાડવા માટે 'ઓઝેમ્પિક' (Ozempic) અને 'વેગોવી' (Wegovy) નામની જે દવાઓનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, તેનો સીધો સંબંધ 'ગિલા મોન્સ્ટર' (Gila Monster) નામની એક ગરોળી સાથે છે. જો આ ગરોળી ન હોત તો કદાચ આપણી પાસે વજન ઘટાડવાની આ આધુનિક દવાઓ ન હોત. પ્રકૃતિના આ અનોખા જીવે તબીબી જગતમાં ક્રાંતિ તો લાવી છે, પણ સાથોસાથ આ દવાઓની ગંભીર આડઅસરો પણ ચિંતાનો વિષય બની છે.
ગિલા મોન્સ્ટરમાં એવું શું છે?
અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં જોવા મળતી 'ગિલા મોન્સ્ટર' ત્યાંની એકમાત્ર ઝેરી ગરોળી છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આ ગરોળીના ઝેરમાં એવા સંયોજનો (compounds) છે જે મનુષ્યમાં બ્લડ સુગર અને ભૂખને અદભુત રીતે નિયંત્રિત કરી શકે છે.
આ સંશોધનની શરૂઆત ૧૯૯૦ના દાયકામાં ડૉ. જોન એન્ગે (Dr. John Eng) નામના સંશોધકે કરી હતી. તેમણે જોયું કે ગિલા મોન્સ્ટરના ઝેરમાં એક ખાસ હોર્મોન હોય છે, જેને તેમણે ‘એક્સેન્ડિન-૪’ (Exendin-4) નામ આપ્યું. આ હોર્મોન મનુષ્યના નાના આંતરડામાં બનતા ભૂખ-નિયંત્રણ હોર્મોન GLP-1 (Glucagon-like Peptide-1) જેવું જ કામ કરે છે.
શું છે આ GLP-1 હોર્મોન?
આપણે કરેલું ભોજન જ્યારે નાના આંતરડામાં પહોંચે છે, ત્યારે ત્યાં રહેલા L-Cells (એલ-સેલ્સ) તરત જ કુદરતી GLP-1 હોર્મોન બનાવીને તેને લોહીમાં મુક્ત કરે છે. આ હોર્મોન સ્વાદુપિંડ (Pancreas)ને ઇન્સ્યુલિન બનાવવાનો અને મગજને પેટ ભરાઈ ગયું હોવાનો સંદેશો મોકલે છે, જેથી ભૂખ શાંત થાય છે.
પરંતુ, મનુષ્યના શરીરમાં આ કુદરતી હોર્મોનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હોય છે. કામ પૂરું થતાં જ લોહીમાં રહેલો એક એન્ઝાઇમ તેને માત્ર ૧-૨ મિનિટમાં જ તોડીને નષ્ટ કરી નાખે છે. બીજી તરફ, ગિલા મોન્સ્ટરનું ‘એક્સેન્ડિન-૪’ મિનિટોને બદલે કલાકો સુધી શરીરમાં ટકી રહે છે. આ ‘લાંબા સમય સુધી ટકી રહેવા’ના ગુણને કારણે જ તે નવી દવાઓ બનાવવા માટેનું ઉત્તમ માધ્યમ બન્યું.
આ દવાથી વજન કઈ રીતે ઓછું થાય છે?
વૈજ્ઞાનિકોએ ગિલા મોન્સ્ટરના ‘એક્સેન્ડિન-૪’ની નકલ કરીને લેબોરેટરીમાં ‘એક્સટેનાટાઇડ’ (Exenatide) નામનું કૃત્રિમ (Synthetic) હોર્મોન તૈયાર કર્યું અને તેમાંથી દવાઓ બનાવી. ઇન્જેક્શન દ્વારા શરીરમાં દાખલ કરાતી આ દવા મગજને પેટ ભરેલું હોવાનો સંકેત મોકલે છે, જેના કારણે વ્યક્તિને કલાકો સુધી ભૂખ લાગતી નથી. ઉપરાંત, આ દવા પાચનક્રિયાને ધીમી કરી દે છે, જેથી ખોરાક પેટ અને આંતરડામાંથી ખૂબ જ ધીમેથી આગળ વધે છે અને જમ્યા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. પરિણામે વ્યક્તિ ઓછું ખાય છે, જે વજન ઝડપથી ઘટાડવામાં મદદરૂપ થાય છે.
ડાયાબિટીસમાં પણ અત્યંત ફાયદાકારક
ખોરાકનું પાચન થાય ત્યારે લોહીમાં ગ્લુકોઝ (સુગર)નું પ્રમાણ વધવા લાગે છે. સામાન્ય વ્યક્તિના શરીરમાં આ સુગરને પચાવવા માટે સ્વાદુપિંડ આપોઆપ ઇન્સ્યુલિન નામનું હોર્મોન બનાવે છે. પરંતુ ટાઇપ-૨ ડાયાબિટીસના દર્દીઓમાં આ ઇન્સ્યુલિન પૂરતી માત્રામાં બનતું નથી અથવા સરખી રીતે કામ નથી કરતું.
‘એક્સટેનાટાઇડ’ ધરાવતી દવા શરીરમાં લાંબો સમય ટકી રહે છે અને જેવું લોહીમાં સુગરનું સ્તર વધે કે તરત જ તે સ્વાદુપિંડને વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિન છોડવાનો સંકેત આપે છે. આ વધારાનું ઇન્સ્યુલિન ગ્લુકોઝને સ્નાયુઓ અને કોષો સુધી પહોંચાડીને તેને ઊર્જામાં બદલી નાખે છે. પરિણામે, જમ્યા પછી પણ લોહીમાં સુગરનું લેવલ અચાનક વધતું નથી અને ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.
હોલિવૂડ અને સોશિયલ મીડિયાને કારણે મળ્યો જબરદસ્ત ક્રેઝ
સમય જતાં વૈજ્ઞાનિકોએ આ ટેક્નોલોજીને વધુ અદ્યતન બનાવી અને તેમાંથી સર્જાઈ વધુ એડવાન્સ્ડ દવા ‘સેમાગ્લુટાઇડ’ (Semaglutide), જે બજારમાં ‘ઓઝેમ્પિક’ (Ozempic) અને ‘વેગોવી’ (Wegovy) બ્રાન્ડ નામે વેચાય છે. અગાઉની દવાઓ દિવસમાં બે વાર લેવી પડતી, જ્યારે આ નવી દવા અઠવાડિયામાં માત્ર એક જ વાર લેવી પડે છે.
હોલિવૂડના કલાકારોએ પોતાના ટ્રાન્સફોર્મેશન માટે તેનો ઉપયોગ શરૂ કર્યો અને જોતજોતામાં સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો ક્રેઝ આમ જનતામાં પણ ફેલાઈ ગયો. આંકડા દર્શાવે છે કે અમેરિકામાં દર ૮માંથી ૧ પુખ્ત વ્યક્તિએ આ પ્રકારની GLP-1 દવા લીધી છે.
સાવધાન! આ દવાઓની ગંભીર આડઅસરો પણ છે ચિંતાજનક:
વજન ઘટાડવા માટે જાદુઈ લાગતી આ દવાઓની બીજી બાજુ એટલી જ જોખમી છે. તાજેતરના તબીબી અભ્યાસોમાં કેટલીક ગંભીર આડઅસરો સામે આવી છે. લેટેસ્ટ જર્નલ ‘એનલ્સ ઓફ ઇન્ટરનલ મેડિસિન’ મુજબ, સેમાગ્લુટાઇડના કારણે વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ વચ્ચે અંદાજે ૨૫,૦૦૦ લોકોને સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
-
પાચનતંત્ર સંબંધિત ગૂંચવણો (Gastrointestinal Issues): મોટાભાગના દર્દીઓમાં ઉબકા, ઉલટી, પેટનો અસહ્ય દુખાવો અને ડાયેરિયા (ઝાડા) જેવી સમસ્યાઓ સામાન્ય જોવા મળી છે.
-
ગેસ્ટ્રોપેરેસિસ (પેટનો લકવો): આ દવા પેટ ખાલી થવાની પ્રક્રિયાને અત્યંત ધીમી કરી દે છે, જેને તબીબી ભાષામાં પેટનો લકવો કહેવાય છે.
-
ઇલિયસ (આંતરડામાં જીવલેણ અવરોધ): યુએસ એફડીએ (FDA) એ ચેતવણી આપી છે કે ઓઝેમ્પિકના કારણે આંતરડામાં ગંભીર અવરોધ આવી શકે છે, જે અંગોમાં લોહીનો પ્રવાહ રોકીને પેશીઓનો નાશ (Tissue Necrosis) કરી શકે છે.
-
દૃષ્ટિ ગુમાવવાનું જોખમ (NAION): યુરોપિયન મેડિસિન એજન્સી (EMA) અને ‘JAMA Ophthalmology’ ના સંશોધન મુજબ, સેમાગ્લુટાઇડ લેતા દર્દીઓમાં 'NAION' નામની ગંભીર બીમારી થવાનું જોખમ ૪ ગણું વધી જાય છે. આ સ્થિતિમાં આંખની મુખ્ય નસમાં બ્લડ સપ્લાય બંધ થતાં માણસ કોઈપણ પીડા વિના અચાનક પોતાની દૃષ્ટિ (આંખોની રોશની) ગુમાવી બેસે છે.
-
ઓઝેમ્પિક ફેસ (Ozempic Face): ખૂબ ઝડપથી વજન ઘટવાને કારણે ચહેરાની કુદરતી ચરબી ગાયબ થઈ જાય છે અને ચહેરો એકદમ કરચલીવાળો તથા ઘરડો દેખાવા લાગે છે.
-
મસલ લોસ (સ્નાયુઓનું ઘટવું): આ દવાથી માત્ર ચરબી જ નહીં, પણ શરીરના જરૂરી નબળા સ્નાયુઓ (Lean Muscle) પણ ઘટી જાય છે, જે લાંબે ગાળે શરીરને નબળું પાડે છે.
-
દવા બંધ કરતાં સ્થિતિ 'જૈસે-થે': આ દવા બંધ કરવાથી વજન ફરીથી ઝડપથી વધી જાય છે, જેને 'Rebound Weight Gain' કહેવાય છે. અભ્યાસો સૂચવે છે કે વજન કાબૂમાં રાખવા માટે આ દવા કદાચ આજીવન લેવી પડી શકે છે.
-
થાઇરોઇડ કેન્સરનું જોખમ: એફડીએ દ્વારા આ દવાઓના પેકેજિંગ પર 'બ્લેક બોક્સ વોર્નિંગ' (સૌથી ગંભીર ચેતવણી) આપવામાં આવી છે કે આનાથી થાઇરોઇડ કેન્સર (Thyroid C-cell tumors) નું જોખમ વધી શકે છે.
ઓઝેમ્પિક બનાવતી કંપનીનો દાવો
‘ઓઝેમ્પિક’ અને ‘વેગોવી’ બંને દવાઓ ડેનમાર્કની ‘નોવો નોર્ડિસ્ક’ (Novo Nordisk) કંપની બનાવે છે. બંનેમાં 'સેમાગ્લુટાઇડ' નામનું એક જ સક્રિય તત્વ હોવા છતાં કંપની તેને અલગ-અલગ બ્રાન્ડિંગ સાથે વેચે છે. ‘ઓઝેમ્પિક’ ખાસ કરીને ટાઇપ-૨ ડાયાબિટીસ માટે (મંજૂરી ૨૦૧૭) અને ‘વેગોવી’ ખાસ કરીને નોન-ડાયાબિટીક લોકોના વજન ઘટાડવા માટે (મંજૂરી ૨૦૨૧) માન્યતા પ્રાપ્ત છે.
તમામ આડઅસરો વચ્ચે પણ નોવો નોર્ડિસ્ક કંપનીનું કહેવું છે કે દર્દીઓની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે. યોગ્ય તબીબી સલાહ અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ જો આ દવાનો ઉપયોગ કરવામાં આવે, તો તેના જોખમો કરતાં તેનાથી થતા સ્વાસ્થ્ય લાભોનું પ્રમાણ ઘણું વધારે છે.








