મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પ્રવાસનને પ્રોત્સાહન આપવા સાઉદીનો નવો પ્રોજેક્ટ, શરૂ કરી લક્ઝુરિયસ ફેસિલીટી સાથેની મહેલ જેવી ટ્રેન

જ્યારથી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનએ

પ્રવાસનને પ્રોત્સાહન આપવા સાઉદીનો નવો પ્રોજેક્ટ, શરૂ કરી લક્ઝુરિયસ ફેસિલીટી સાથેની મહેલ જેવી ટ્રેન

જ્યારથી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનએ શાસનની લગામ સંભાળી છે ત્યારથી, રાજ્યએ એવા પરાક્રમો કર્યા છે કે જેને જોઈને વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે. તેમણે તેમના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ 'વિઝન 2030' હેઠળ રણમાં એક ભાવિ શહેર 'નિયોમ'ની કલ્પના કરી હતી. આધુનિક સુવિધાઓથી સજ્જ આ શહેરમાં નકલી ચાંદ પણ બનાવવામાં આવી રહ્યો છે. હવે સાઉદી અરેબિયાએ વધુ એક પરાક્રમ કરીને દુનિયાને ચોંકાવી દીધી છે અને તે છે સાઉદીનો 'ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ' પ્રોજેક્ટ.

પ્રવાસનને પ્રોત્સાહન આપવા ફાઇવ સ્ટાર લક્ઝરી ટ્રેન શરુ કરી 

સાઉદી અરેબિયા તેના રણમાં ફાઈવ સ્ટાર ટ્રેન દોડાવવા જઈ રહ્યું છે, જેને 'મૂવિંગ પેલેસ' કહેવામાં આવે તો ખોટું નથી. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વિઝન 2030 હેઠળ દેશની તેલ આધારિત અર્થવ્યવસ્થામાં વિવિધતા લાવવા માંગે છે. તેથી જ તેઓ વિદેશી રોકાણ અને પ્રવાસન પર ખૂબ ભાર મૂકી રહ્યા છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ફાઇવ સ્ટાર લક્ઝરી ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે.

'ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ'ની ફાઈનલ ડિઝાઈન જાહેર કરી 

સાઉદી અરેબિયાની સરકારી કંપની સાઉદી અરેબિયાઝ રેલવે (SAR) ઇટાલિયન કંપની આર્સેનાલ સાથે મળીને આ ટ્રેનનું નિર્માણ કરી રહી છે. બંને કંપનીઓએ સાથે મળીને 'ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ' નામની આ લક્ઝરી ટ્રેનની અંતિમ ડિઝાઇન બહાર પાડી છે. આ ટ્રેન મધ્ય પૂર્વની પ્રથમ ફાઈવ સ્ટાર લક્ઝરી ટ્રેન હશે.

આ લક્ઝરી ટ્રેન ક્યારે શરુ થશે ?

સાઉદી અરેબિયાની આ લક્ઝરી ટ્રેન પ્રવાસીઓને સાઉદીના વિશાળ રણની સફર કરાવશે. તેમજ આ ટ્રેનની સુવિધા વર્ષ 2026ના અંત સુધીમાં શરુ થશે. ટ્રેન સાઉદીની રાજધાની રિયાધથી ઉપડશે અને અલ જૌફના ઉત્તરી પ્રાંતમાં અલ કુરાયત સુધી 1300 કિલોમીટરની હાલની રેલવે લાઇન પર દોડશે. આ રોડને સાઉદીનો સૌથી સુંદર રસ્તો માનવામાં આવે છે, જેનું પ્રાકૃતિક સૌંદર્ય જોવા જેવું છે.

જાણો કેવી હશે આ લક્ઝુરિયસ ટ્રેન 

આ ટ્રેનને લક્ઝરી ફાઈવ સ્ટાર હોટલની જેમ તૈયાર કરવામાં આવી છે. ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ ટ્રેનમાં 14 કોચ હશે જેમાં 34 લક્ઝરી સ્યુટ હશે.

ટ્રેનના આંતરિક ભાગો લેબનીઝ આર્કિટેક્ટ એલાઇન અસમર ડી'અમ્માન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેનું આર્કિટેક્ચર આશ્ચર્યજનક છે. ટ્રેનની આંતરિક છત સોનાની છે, બેન્ક્વેટ હોલ ઉત્કૃષ્ટ મખમલથી શણગારવામાં આવ્યો છે અને તેમાં શાનદાર ટાઈલ્સ વર્ક છે જે સાઉદી પરંપરાનો ટચ આપે છે.

જો રિસેપ્શન એરિયાની વાત કરવામાં આવે તો તેને મજલિસ સેટિંગની જેમ તૈયાર કરવામાં આવ્યું છે. જેને ઝીણવટપૂર્વક કોતરવામાં આવેલા લાકડાના કામ સાથે રણની રેતીના રંગોમાં સજાવવામાં આવ્યું છે. ટ્રેનના કોરિડોરમાં લટકાવવા માટે સાઉદી વારસા અને સંસ્કૃતિથી પ્રેરિત વિશેષ કલાકૃતિઓ સ્થાપિત કરવામાં આવી છે. ટ્રેનમાં ફૂડ મેનુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય શેફની મદદથી તૈયાર કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો