મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: આખરે મિડલ ઈસ્ટના યુદ્ધમાં થઈ રશિયાની એન્ટ્રી! ઈરાનને સોંપી દીધી અમેરિકાની ગુપ્ત માહિતી

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી અત્યાર સુધી અંતર જાળવી રાખનાર રશ

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી અત્યાર સુધી અંતર જાળવી રાખનાર રશિયા આખરે તેના મિત્ર દેશની મદદ માટે મેદાને આવ્યું છે. રશિયાએ ઈરાનને એવી મહત્વની ગુપ્ત જાણકારી આપી છે, જેનાથી તેહરાનને (ઈરાન) અમેરિકી સેના પર હુમલો કરવામાં મદદ મળી શકે છે. જો આવું થશે, તો ઈરાન પોતાના હુમલાઓથી અમેરિકા અને ઈઝરાયેલને વધુ નુકસાન પહોંચાડી શકે છે. જોકે, રશિયાના આ પગલાની જાણ અમેરિકાને પણ થઈ ગઈ છે.

એક અહેવાલ મુજબ, રશિયાએ ઈરાનને આ ક્ષેત્રમાં તૈનાત અમેરિકી યુદ્ધ જહાજો, વિમાનો અને અન્ય સૈન્ય સંપત્તિઓ વિશેની વિગતો પૂરી પાડી છે. મોસ્કો દ્વારા ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા આ યુદ્ધમાં સીધી કે આડકતરી રીતે સામેલ થવાનો આ પ્રથમ સંકેત છે.

રશિયા અને ઈરાન વચ્ચે વધતી નિકટતા

યુક્રેન સામેના છેલ્લા ચાર વર્ષના યુદ્ધમાં મિસાઈલ અને ડ્રોનની જરૂરિયાતને કારણે રશિયાએ ઈરાન સાથેના સંબંધો મજબૂત કર્યા છે. બીજી તરફ, પરમાણુ કાર્યક્રમ અને હિઝબુલ્લાહ, હમાસ તથા હૂતી જેવા સંગઠનોને સમર્થન આપવા બદલ વર્ષોથી અલગ-થલગ પડેલા ઈરાન માટે રશિયાનો આ સાથ ખૂબ મોટો ગણાય છે.

પુતિનની ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે ફોન પર વાત કરી હતી. તેમણે સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈના નિધન અને હુમલામાં માર્યા ગયેલા સામાન્ય નાગરિકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. યુદ્ધ શરૂ થયા પછી ક્રેમલિન તરફથી ઈરાનને આ પહેલો ફોન કોલ હતો. પુતિને દુશ્મનાવટનો તાત્કાલિક અંત લાવવા અને સૈન્ય તાકાતને બદલે રાજદ્વારી માર્ગે ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો.

અમેરિકાનું વલણ

રશિયા દ્વારા ઈરાનને માહિતી આપવા મુદ્દે અમેરિકાએ નિવેદન આપ્યું છે કે, "આનાથી ઈરાનમાં ચાલી રહેલા અમારા મિલિટ્રી ઓપરેશન્સ પર કોઈ ફરક નહીં પડે, કારણ કે અમે ઈરાનની સૈન્ય શક્તિને સંપૂર્ણપણે ખતમ કરી રહ્યા છીએ." ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈઝરાયેલ દરરોજ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યા છે.

ઈરાનનો આક્રમક મિજાજ

ટ્રમ્પની ધમકીઓ છતાં ઈરાન નમતું જોખવા તૈયાર હોય તેવું લાગતું નથી. ઈરાને અત્યાર સુધી ઈઝરાયેલ સહિત મધ્ય પૂર્વના 12 દેશો પર હુમલા કર્યા છે, જેમાં UAE, કતાર, બહેરીન, જોર્ડન, ઈરાક, કુવૈત, ઓમાન, સાઉદી અરેબિયા, સાયપ્રસ, સીરિયા અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે. આ હુમલાઓમાં ઈરાને ખોર્રમશહેર-4, ખેબર અને ફતેહ જેવી અત્યાધુનિક બેલેસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કર્યો છે.

આ સમાચાર શેર કરો