ઈટાલીનાં 40થી વધુ શહેરોમાં સરકાર સામે વિરોધ: હજારો વિદ્યાર્થીઓ-મજૂરો રસ્તા પર, સંસદ તરફ કૂચ; ટ્યુરિનમાં પોલીસે ચલાવી વોટર કેનન

ઈટાલીમાં વધતી મોંઘવારી, રહેઠાણનાં ઊંચાં ભાડાં અને શિક્ષણ ક્ષેત્રના ઘટતા બજેટ સામે હજારો વિદ્યાર્થીઓ, મજૂરો અને કર્મચારી સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. દેશની મુખ્ય ટ્રેડ યુનિયન (USB) દ્વારા જાહેર કરવામાં આવેલી 24 કલાકની દેશવ્યાપી હડતાળના પગલે શુક્રવારે ઈટાલીનાં 40થી વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શનો યોજાયાં હતાં. પ્રદર્શનકારીઓએ વધુ વેતન, સસ્તું રહેઠાણ અને જાહેર સુવિધાઓની માગણી સાથે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સરકારની લશ્કરી ખર્ચ વધારવાની નીતિનો વિરોધ કર્યો હતો. આંદોલનમાં વિદ્યાર્થીઓ, કામદારો, ખેડૂતો અને વિવિધ કર્મચારી સંગઠનો જોડાયાં હતાં. પ્રદર્શનકારીઓનો આક્ષેપ છે કે સરકાર શિક્ષણ અને સામાન્ય નાગરિકોની સુવિધાઓ પાછળ ખર્ચ ઘટાડીને લશ્કરી સાધનો અને સંરક્ષણ ક્ષેત્ર પાછળ વધુ નાણાં ખર્ચી રહી છે.
ટ્યુરિનમાં વોટર કેનનનો ઉપયોગ, 8 લોકોની અટકાયત
ટ્યુરિન શહેરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તંગ બની હતી. પ્રદર્શનકારીઓએ સરકારી ઇમારતો તરફ આગળ વધવાનો પ્રયાસ કરતાં પોલીસે ભીડને નિયંત્રિત કરવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. સાંજના સમયે પ્રદર્શનકારીઓનું એક મોટું જૂથ સંસદ તરફ કૂચ કરવા નીકળ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળો સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કરવાના આરોપસર પોલીસે 8 લોકોની અટકાયત કરી હતી. દેશના વિવિધ શહેરોમાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓની માગ: શિક્ષણ બજેટ વધારો, ભાડાં ઘટાડો
આ આંદોલનમાં વિદ્યાર્થીઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે. ખાસ કરીને રાજધાની રોમમાં રહેઠાણના વધતા ખર્ચને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, રોમમાં વિદ્યાર્થીઓ માટે એક રૂમનું માસિક ભાડું 1,200 યુરો સુધી પહોંચી ગયું છે. વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે ઊંચાં ભાડાંને કારણે સામાન્ય પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. બીજી તરફ, શિક્ષણ ક્ષેત્રે ખર્ચ ઘટાડીને સરકાર લશ્કરી બજેટમાં વધારો કરી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીઓએ શિક્ષણ માટે વધુ બજેટ ફાળવવાની અને સસ્તા રહેઠાણની વ્યવસ્થા કરવાની માગ કરી છે.
રોમમાં કોલોસિયમ સુધી કૂચ, જેનોઆ બંદરે 15 હજાર લોકો એકઠા
રાજધાની રોમમાં હજારો પ્રદર્શનકારીઓએ ઐતિહાસિક કોલોસિયમ સુધી કૂચ કરી હતી. કેટલાક પ્રદર્શનકારીઓએ રસ્તા પર ટેન્ટ લગાવીને જ્યાં સુધી માગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. બીજી તરફ, જેનોઆ (Genoa) બંદરે અંદાજે 15,000 બંદર કર્મચારીઓ અને નાગરિકો એકઠા થયા હતા. તેમણે વેપારી બંદરોનો ઉપયોગ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં હથિયારો મોકલવા માટે ન કરવા માગ કરી હતી. પ્રદર્શનકારીઓએ બંદરો દ્વારા થતી હથિયારોની હેરફેર સામે વિરોધ નોંધાવ્યો હતો.
હિંસા રોકવા કડક નિયમો, સરકારનું રાહત પેકેજ
અગાઉ 17 અને 18 ઓક્ટોબરે મિલાનમાં થયેલી તોડફોડની ઘટનાઓ બાદ ઈટાલી સરકારે જાહેર પ્રદર્શનોને લઈને કાયદા વધુ કડક બનાવ્યા છે. બીજી તરફ, વધતા અસંતોષને ધ્યાનમાં રાખીને સરકારે ટ્રક ડ્રાઇવરો અને ખેડૂતો માટે 175.2 મિલિયન યુરોનું સહાય પેકેજ જાહેર કર્યું છે. આ ઉપરાંત, વર્ષ 2027ના બજેટમાં 30 વર્ષથી ઓછી ઉંમરના કર્મચારીઓને વાર્ષિક 2,500 યુરોનું બોનસ આપવાની દરખાસ્ત પર પણ વિચારણા ચાલી રહી છે.
મેલોની સરકાર અને પ્રદર્શનકારીઓ આમને-સામને
વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જણાવ્યું છે કે સરકાર યુવાનોની સમસ્યાઓ ઉકેલવા માટે પગલાં લઈ રહી છે. જોકે, હિંસા અને તોડફોડ કરનારાઓ સામે કોઈ નરમ વલણ અપનાવવામાં આવશે નહીં તેમ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે. દેશભરમાં વિદ્યાર્થીઓ અને મજૂરો ઉપરાંત ખેડૂતો, પેન્શનરો તથા અન્ય વર્ગોના લોકો પણ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. શિક્ષણ, રહેઠાણ, મોંઘવારી અને લશ્કરી ખર્ચ જેવા મુદ્દાઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં સરકાર આ માગણીઓ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.








