મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકી ચૂંટણીમાં ભારતીયોનો દબદબો: વોટર્સને રીઝવવા કોઈએ બનાવ્યો ઢોંસા તો કોઈ પહોંચ્યા મંદિરે!

અમેરિકી ચૂંટણીમાં ભારતીયોનો દબદબો: વોટર્સને રીઝવવા કોઈએ બનાવ્યો ઢોંસા તો કોઈ પહોંચ્યા મંદિરે!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકામાં મધ્યાવધિ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય-અમેરિકન મતદારોનું સમર્થન મેળવવા રાજકીય પક્ષોના ઉમેદવારોએ પ્રયાસો તેજ કર્યા છે. કોઈ ભારતીય રેસ્ટોરન્ટમાં ઢોસા બનાવીને મતદારો સાથે જોડાઈ રહ્યું છે તો કોઈ મંદિરોમાં યોજાતા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપીને સમર્થન મેળવવાની કવાયત કરી રહ્યું છે. ખાસ કરીને જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, મિશિગન અને નોર્થ કેરોલિના જેવા રાજ્યોમાં ભારતીય મતદારોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની શકે છે.

ડેમોક્રેટિક ઉમેદવાર જમ્સ ટાલારિકોએ બનાવ્યો ઢોસા

ટેક્સાસમાં ડેમોક્રેટિક ઉમેદવાર જેમ્સ ટાલારિકોએ ભારતીય સમુદાયને આકર્ષવા અનોખી રીત અપનાવી હતી. તેમણે ડલાસના ઉપનગર ઇરવિંગમાં આવેલી ભારતીય રેસ્ટોરન્ટમાં જાતે ઢોસા બનાવ્યો હતો. તેમણે તવા પર ઢોસાનું ખીરું ફેલાવ્યું, તેમાં બટાકા અને અન્ય શાકભાજીનો મસાલો ભર્યો અને તૈયાર ઢોસો કેળના પાન પર પીરસ્યો હતો. તેમની આ પહેલનું રેસ્ટોરન્ટમાં હાજર લોકોએ તાળીઓથી સ્વાગત કર્યું હતું. ટાલારિકો ટેક્સાસની સેનેટ બેઠક માટે રિપબ્લિકન ઉમેદવાર કેન પેક્સ્ટન સામે ચૂંટણી લડી રહ્યા છે. ટેક્સાસમાં મોટી સંખ્યામાં રહેતા ભારતીય-અમેરિકન સમુદાયે તેમની આ પહેલને આવકારી હતી. વેપારી જેમ્સ બ્લન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટાલારિકોનાં વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે એક તરફ કેટલાક રિપબ્લિકન સમર્થકો ભારતીયો અને તેમના ખાનપાન અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ટાલારિકો ઢોસા બનાવી રહ્યા છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, "એક પાર્ટી ભાગલાનું ભોજન પીરસી રહી છે, જ્યારે બીજી ભારતીય રાઇસ ઢોસા પીરસી રહી છે, જે ખરેખર સ્વાદિષ્ટ છે."

મંદિરોમાં પણ ઉમેદવારોની અવરજવર વધી

ભારતીય-અમેરિકન મતદારો સુધી પહોંચવા માટે ઉમેદવારો મંદિરોમાં યોજાતા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લઈ રહ્યા છે. કનેક્ટિકટના ગવર્નર નેડ લેમોન્ટે વધુ એક કાર્યકાળ માટે ચૂંટણી લડતાં સ્ટેટ કેપિટલમાં યોજાયેલા દિવાળી સમારોહમાં ઉપ વિદેશ મંત્રી જેનિફર બારાહોના સાથે હાજરી આપી હતી. ઓહાયોના સાંસદ ગ્રેગ લેન્ડ્સમેને શેરોનવિલ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના 11મા પાટોત્સવમાં ભાગ લીધો હતો. ન્યૂ જર્સીના સેનેટર કોરી બુકર અક્ષરધામ મંદિરમાં યોજાયેલા દિવાળી સમારોહમાં પહોંચ્યા હતા. સાંસદ રેન્ડી ફાઇન અને સ્કોટ પેરીએ પણ હેરિસબર્ગના એક મંદિરમાં હાજરી આપી હતી. મિશિગનના સાંસદ જ્હોન જેમ્સે સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈને હિંદુ-અમેરિકન સમુદાયની પરંપરાઓ અને સેવાકાર્યો વિશે જાણકારી મેળવી હતી.

4 રાજ્યોમાં ભારતીય મતદારો બની શકે છે નિર્ણાયક

અમેરિકામાં ભારતીય સમુદાયની મોટી વસ્તી કેલિફોર્નિયા, ટેક્સાસ, ન્યૂ જર્સી, ન્યૂયોર્ક, વોશિંગ્ટન, ઇલિનોઇસ, પેન્સિલવેનિયા અને જ્યોર્જિયા જેવા રાજ્યોમાં છે. જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, મિશિગન અને નોર્થ કેરોલિના જેવા રાજ્યોમાં ચૂંટણી મુકાબલો નજીકનો રહેતો હોવાથી એકથી બે ટકા મતનું અંતર પણ પરિણામને અસર કરી શકે છે. આથી ભારતીય-અમેરિકન મતદારોનું સમર્થન મેળવવા ઉમેદવારો ખાસ પ્રયાસો કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો