અમેરિકામાં ડેટિંગ એપથી કંટાળી મહિલાએ પતિ શોધવા બહાર પાડ્યું 'ગુગલ ફોર્મ', 240થી વધુ પુરુષોએ કરી અરજી!

આજના ડિજિટલ યુગમાં લાઈફ પાર્ટનર શોધવા માટે લોકો સામાન્ય રીતે ટિન્ડર, બમ્બલ કે મેટ્રિમોનિયલ એપ્સનો સહારો લેતા હોય છે. પરંતુ અમેરિકાની એક મહિલાએ જીવનસાથી શોધવા માટે એક અનોખો અને અજીબોગરીબ રસ્તો અપનાવ્યો છે, જેની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. નોર્થ કેરોલિનાના શાર્લેટની રહેવાસી 36 વર્ષીય એરિન પેટરસને યોગ્ય વર શોધવા માટે સીધો 'ગુગલ ફોર્મ' (Google Form) તૈયાર કરી સોશિયલ મીડિયા પર મૂકી દીધો છે.
ફોર્મ શેર કરતા જ લાઇનો લાગી!
એરિને આ ગુગલ ફોર્મ બનાવીને પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પિન કરી દીધું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે અત્યાર સુધીમાં 240 થી વધુ પુરુષોએ આ ફોર્મ ભરીને તેની સાથે લગ્ન કરવામાં રસ દાખવ્યો છે. ફોર્મમાં એરિને સ્પષ્ટ લખ્યું છે કે તે એક આકર્ષક દેખાવ ધરાવતા, સમજદાર, દયાળુ, વફાદાર અને ઉદાર પુરુષ સાથે સંબંધ બાંધવા માંગે છે. સાથે જ તે એવી વ્યક્તિને શોધી રહી છે જે કોફી કે ડિનર ડેટ પર મળે, સારી વાતચીત કરે અને સંબંધને ગંભીરતાથી આગળ વધારે. તેણે સ્પષ્ટ કર્યું કે તે કોઈપણ મૂંઝવણ વિના પોતાની અપેક્ષાઓ પહેલેથી જ સામે રાખવા માંગે છે, જેથી બંને પક્ષો એકબીજાને યોગ્ય રીતે સમજી શકે.
ગુગલ ફોર્મ બનાવવાની કેમ પડી જરૂર?
એરિનના જણાવ્યા અનુસાર, ડેટિંગ એપ્સ પર વારંવાર સમય બરબાદ થતો હતો. વાતચીત શરૂ તો થાય પણ ગંભીર ઇરાદાવાળા લોકો મળતા નહોતા. ઘણી મુલાકાતો પછી પણ ભવિષ્ય વિશે કોઈ સ્પષ્ટ વિચાર જોવા મળતો ન હતો. આથી, સમયનો વ્યય ટાળવા અને સામાવાળો વ્યક્તિ સંબંધ માટે કેટલો ગંભીર છે તે શરૂઆતમાં જ જાણી શકાય તે માટે તેણે આ ફોર્મ તૈયાર કરવાનો નિર્ણય લીધો. આ ફોર્મ માત્ર નામ, ઉંમર કે શહેર પૂરતું મર્યાદિત નથી. તેમાં કારકિર્દીના લક્ષ્યો, દૈનિક દિનચર્યા, વ્યક્તિગત આદતો, લગ્ન અને પરિવાર વિશેના વિચારો તેમજ સંબંધોને લગતી ઊંડી અપેક્ષાઓ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એરિનનું માનવું છે કે આવા પ્રશ્નોથી ભવિષ્યની ગેરસમજણો અને ખોટી અપેક્ષાઓથી બચી શકાય છે.
સોશિયલ મીડિયા પર થઈ રહી છે જોરદાર પ્રશંસા
એરિનનો આ અનોખો અંદાજ હવે ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સે તેની પ્રામાણિકતા અને બોલ્ડ વિચારસરણીની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું, "આ વિચાર એકદમ નવો અને વ્યવહારુ છે, આનું પરિણામ શું આવ્યું તે ચોક્કસ જણાવજો!" બીજા એક યુઝરે કહ્યું, "આજના સમયમાં આટલી સ્પષ્ટ વિચારસરણી ધરાવતા લોકો ભાગ્યે જ મળે છે, જેને તમે જીવનસાથી તરીકે મળશો તે વ્યક્તિ ખરેખર નસીબદાર હશે." લોકો આ પદ્ધતિને ડેટિંગ એપના સમયબગાડ કરતાં વધુ પરિપક્વ અને અસરકારક ગણાવી રહ્યા છે.

