ફ્રાન્સમાં મોંઘવારી સામે ફરી વિરોધનાં એંધાણ: 70 હજાર પોલીસકર્મીઓ તૈનાત

ફ્રાન્સમાં મોંઘવારી અને જીવનનિર્વાહના વધતા ખર્ચ સામે ફરી વિરોધ પ્રદર્શનો યોજાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. શનિવારે યોજાનારા પ્રદર્શનો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દેશભરમાં આશરે 70 હજાર પોલીસકર્મીઓ અને જેન્ડરમેરીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે થયેલી હિંસા, તોડફોડ, આગચંપી અને લૂંટફાટનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર સાવચેતી રાખી રહી છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે વિશેષ પોલીસ ટુકડીઓ, બખ્તરબંધ વાહનો, વોટર કેનન, હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. પેરિસના પ્રખ્યાત લૂવ્ર મ્યુઝિયમ સહિત કેટલાંક મુખ્ય મ્યુઝિયમ શનિવારે બંધ રાખવામાં આવશે. કેટલાક શહેરોમાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અથવા તેના માર્ગમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
‘હિંસાને કોઈપણ સંજોગોમાં સહન નહીં કરીએ’
ફ્રાન્સના ગૃહમંત્રી લોરાં નુનેઝે શુક્રવારે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે સુરક્ષા દળો કોઈપણ પ્રકારની હિંસા સહન કરશે નહીં. તેમણે સોશિયલ મીડિયા પર કટ્ટર ડાબેરી જૂથો દ્વારા હિંસા માટે અપીલ કરવામાં આવી હોવાનો પણ દાવો કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, આતંકવાદ વિરોધી કામગીરી અને બંધકોને છોડાવવાના વિશેષ અભિયાનોમાં ઉપયોગમાં લેવાતી એકમોને પણ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. આશરે 10 હજાર વધારાના પોલીસકર્મીઓ, 20 બખ્તરબંધ વાહનો અને પાણીનો મારો ચલાવતાં 15 વાહનો પણ તૈનાત રાખવાની તૈયારી છે. ઘોડેસવાર પોલીસ અને હવાઈ દેખરેખની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ગયા અઠવાડિયે પાંચ લાખથી વધુ લોકો રસ્તા પર ઊતર્યા હતા
ગયા શનિવારે મોંઘવારીના વિરોધમાં ફ્રાન્સમાં પાંચ લાખથી વધુ લોકો પ્રદર્શનમાં જોડાયા હતા. શરૂઆતમાં શાંતિપૂર્ણ રહેલા આ વિરોધ પ્રદર્શનો દરમિયાન કેટલાક જૂથોએ તોડફોડ, લૂંટફાટ અને આગચંપી કરી હતી. પેરિસ, માર્સેલી અને લિયોન સહિત અનેક શહેરોમાં હિંસાની ઘટનાઓ બની હતી. લિમોજ શહેરમાં સિટી હોલની ઇમારતમાં આગ લગાવવામાં આવતાં તેને આંશિક નુકસાન થયું હતું. અગાઉના પ્રદર્શનો દરમિયાન વ્યાપક હિંસા ફાટી નીકળતાં પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવામાં મુશ્કેલી પડી હોવાની વાત સરકારે સ્વીકારી હતી. અહેવાલ મુજબ, આ દરમિયાન 2,700થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
મોંઘવારીથી શરૂ થયેલું આંદોલન અનેક મુદ્દાઓ સુધી વિસ્તર્યું
ફ્રાન્સમાં શરૂ થયેલું આંદોલન હવે માત્ર મોંઘવારી પૂરતું સીમિત રહ્યું નથી. વધતા રહેઠાણ ખર્ચ, જાહેર સેવાઓની કથળતી સ્થિતિ અને સરકારી બજેટમાં કાપ જેવા મુદ્દાઓને લઈને પણ લોકોમાં નારાજગી છે. શનિવારના પ્રદર્શનોમાં વિદ્યાર્થીઓ, CGT મજૂર સંઘના સભ્યો અને 2018-19 દરમિયાન ફ્રાન્સમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો માટે જાણીતા ‘યેલો વેસ્ટ’ આંદોલન સાથે સંકળાયેલા કાર્યકરો જોડાય તેવી શક્યતા છે. જોકે, ભારે વરસાદ અને તેજ પવનની આગાહીને કારણે પ્રદર્શનમાં ભાગ લેનારા લોકોની સંખ્યા પર અસર પડી શકે છે.
યુરોપનાં અન્ય દેશોમાં પણ વિરોધની તૈયારી
જીવનનિર્વાહના વધતા ખર્ચ, મોંઘાં મકાનો, જાહેર સેવાઓમાં ઘટાડો અને સરકારી ખર્ચમાં કાપના વિરોધમાં યુરોપના અન્ય દેશોમાં પણ પ્રદર્શનો યોજાવાની તૈયારી છે. ઇટાલીના મિલાન, રોમ અને ટ્યુરિન, ઑસ્ટ્રિયાના વિયેના, સ્પેનના મેડ્રિડ અને બાર્સેલોના, પોર્ટુગલના લિસ્બન અને પોર્ટો, આયર્લેન્ડના ડબલિન તથા અલ્બેનિયાના તિરાનામાં વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની સરકાર સામે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે મોંઘવારી, રહેઠાણ ખર્ચ અને જાહેર સેવાઓ અંગે લોકોમાં વધી રહેલી નારાજગીનો સામનો કરવાનો પડકાર છે. આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીને ધ્યાનમાં રાખતાં આ વિરોધ પ્રદર્શનો સરકાર માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.











