VIDEO: ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન કાર સાથે વિમાનની જોરદાર ટક્કર! અકસ્માતનો લાઇવ વીડિયો આવ્યો સામે
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં મેરિટ આઇલેન્ડ નજીક વ્યસ્ત I-95 હાઇવે પર ઇમ

અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં મેરિટ આઇલેન્ડ નજીક વ્યસ્ત I-95 હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરતી વખતે એક નાનું વિમાન કાર સાથે અથડાયું ત્યારે મોટો અકસ્માત સર્જાયો. વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા પાઇલટને હાઇવે પર લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી, પરંતુ ટ્રાફિકમાં લેન્ડિંગ કરતી વખતે, વિમાન 2023 મોડેલની ટોયોટા કાર સાથે અથડાયું.
પ્લેનના બંને એન્જિન એકસાથે બંધ થઈ જતાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ
વિમાન બીચક્રાફ્ટ 55 મોડેલનું હતું, જેમાં 27 વર્ષીય પાઇલટ અને તેના સાથી હાજર હતા. બંનેમાંથી કોઈને ઇજા થઈ નથી. ફ્લોરિડા હાઇવે પેટ્રોલ (FHP) અનુસાર, વિમાનના બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા, ત્યારબાદ પાઇલટે તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો.
ટોયોટા કેમરી ચલાવતી 57 વર્ષીય મહિલાને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ અકસ્માત સોમવારે સાંજે 5:45 વાગ્યે થયો હતો, જ્યારે હાઇવે પર ભારે ટ્રાફિક હતો. ટક્કર બાદ વિમાન હાઇવે પર અટકી ગયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
અકસ્માત બાદ હાઇવે બંધ
અકસ્માત બાદ 201 માઇલ નજીક I-95ની દક્ષિણ તરફ જતી લેન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. બચાવ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. હાઇવે ઘણા કલાકો સુધી બંધ રહ્યો હતો અને સવારે 9 વાગ્યાની આસપાસ ફરી ખોલવામાં આવ્યો હતો.
તે જ દિવસે ફ્લોરિડામાં બીજો વિમાન અકસ્માત
રસપ્રદ વાત એ છે કે, તે જ દિવસે ફ્લોરિડામાં બીજો વિમાન અકસ્માત થયો હતો. સેસ્ના 172 વિમાને ઓર્લાન્ડોથી 46 માઇલ દૂર ડેલેન્ડમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. તેમાં સવાર બે લોકો ઘાયલ થયા હતા, પરંતુ બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.








