મોટા સમાચાર : નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ બનશે બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન, જાણો તેમના વિશે
Bangladesh : નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કર

Bangladesh : નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડીને ભાગી ગયાના એક દિવસ બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે.
ગરીબી સામે લડવામાં તેમના કામ માટે 'ગરીબના બેંકર' તરીકે જાણીતા યુનુસ, વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી હતા.
બેઠકમાં તેમને વચગાળાની સરકારના નેતા બનાવવાના વિદ્યાર્થીઓના પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો. બેઠકમાં અનામત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વિદ્યાર્થીઓ અને ત્રણેય સેનાના વડાઓએ ભાગ લીધો હતો.
કોણ છે મોહમ્મદ યુનુસ?
મોહમ્મદ યુનુસનો જન્મ 28 જૂન 1940ના રોજ થયો હતો. તેઓ બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી, બેંકર, સામાજિક ઉદ્યોગસાહસિક અને નાગરિક સમાજના નેતા છે. તેમણે 1961 થી 1965 દરમિયાન બાંગ્લાદેશની ચિત્તાગોંગ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. આ પછી, તેમણે વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું.
ત્યારબાદ 1983માં ગ્રામીણ બેંકની સ્થાપના કરી હતી. જેમાં ગરીબોને પોતાના નાના પાયાના ઉદ્યોગો શરૂ કરવા માટે લોન આપવામાં આવતી હતી. જેથી બાંગ્લાદેશના લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકાય. યુનુસના કામના કારણે તેમને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે 2007માં નાગરિક શક્તિ નામનો રાજકીય પક્ષ પણ બનાવ્યો હતો.
મોહમ્મદ યુનુસને નોબેલ ઉપરાંત બીજા ઘણા એવોર્ડ મળ્યા છે. 2009માં પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ અને 2010માં કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ સિવાય તેમને શ્રમ કાયદાના ભંગ બદલ 6 મહિનાની જેલની સજા પણ કરવામાં આવી હતી.
યુનુસ 2012 થી 2018 સુધી સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના ચાન્સેલર પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે 1998 થી 2021 સુધી યુનાઈટેડ નેશન્સ ફાઉન્ડેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે પણ સેવા આપી છે.








