અમેરિકી ચૂંટણીમાં ભારતીય મતદારોને રીઝવવા નેતાઓની કવાયત: ડેમોક્રેટ ઉમેદવારે બનાવ્યો ઢોસો

અમેરિકામાં મધ્યાવધિ ચૂંટણી (Midterm Elections)ને ધ્યાનમાં રાખીને ભારતીય-અમેરિકન મતદારોનું સમર્થન મેળવવા રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાની કવાયત તેજ કરી છે. ભારતીય સમુદાય સાથે જોડાવા માટે કોઈ ઉમેદવાર ભારતીય રેસ્ટોરન્ટમાં જઈને જાતે ઢોસા બનાવી રહ્યો છે, તો કોઈ હિંદુ મંદિરોમાં યોજાતા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યો છે. ખાસ કરીને જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, મિશિગન અને નોર્થ કેરોલિના જેવા રાજ્યોમાં ભારતીય મતદારો ચૂંટણીનાં પરિણામો પર અસર કરી શકે છે.
ડેમોક્રેટિક ઉમેદવારે જાતે બનાવ્યો ઢોસો
ટેક્સાસમાં ડેમોક્રેટિક ઉમેદવાર જેમ્સ ટાલારિકો (James Talarico)એ ભારતીય સમુદાયનું ધ્યાન ખેંચવા અનોખી પહેલ કરી હતી. તેઓ ડલાસના ઉપનગર ઇરવિંગમાં આવેલી એક ભારતીય રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે જાતે ઢોસો બનાવ્યો હતો. તેમણે તવા પર ઢોસાનું ખીરું ફેલાવ્યું અને તેમાં બટાકા સહિતના શાકભાજીનો મસાલો ભરીને ઢોસો તૈયાર કર્યો હતો. ત્યારબાદ તેને કેળના પાન પર પીરસવામાં આવ્યો હતો. રેસ્ટોરન્ટમાં હાજર લોકોએ તેમની આ પહેલને તાળીઓથી વધાવી હતી. ટાલારિકો ટેક્સાસની સેનેટ બેઠક માટે રિપબ્લિકન ઉમેદવાર કેન પેક્સ્ટન (Ken Paxton) સામે ચૂંટણી લડી રહ્યા છે. તેમની આ પહેલને સોશિયલ મીડિયા પર પણ પ્રતિસાદ મળ્યો હતો. વેપારી જેમ્સ બ્લન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટાલારિકોનાં વખાણ કરતાં કહ્યું હતું કે, એક તરફ કેટલાક રિપબ્લિકન સમર્થકો ભારતીયો અને તેમના ખાનપાન અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ટાલારિકો ભારતીય વાનગી બનાવતા જોવા મળી રહ્યા છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે એક પક્ષ ભાગલાનું ભોજન પીરસે છે, જ્યારે બીજો ભારતીય રાઇસ ઢોસા પીરસે છે.
મંદિરોમાં દિવાળી અને ધાર્મિક કાર્યક્રમોમાં નેતાઓની હાજરી
ભારતીય-અમેરિકન મતદારો સુધી પહોંચવા માટે અમેરિકાના વિવિધ રાજ્યોમાં ઉમેદવારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મંદિરોમાં યોજાતા કાર્યક્રમોમાં પણ હાજરી આપી રહ્યા છે. કનેક્ટિકટના ગવર્નર નેડ લેમોન્ટે (Ned Lamont) સ્ટેટ કેપિટલ ખાતે યોજાયેલા દિવાળી સમારોહમાં હાજરી આપી હતી. ઓહાયોના સાંસદ ગ્રેગ લેન્ડ્સમેને શેરોનવિલ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના 11મા પાટોત્સવમાં ભાગ લીધો હતો. ન્યૂ જર્સીના સેનેટર કોરી બુકર (Cory Booker) અક્ષરધામ મંદિરમાં યોજાયેલા દિવાળી સમારોહમાં પહોંચ્યા હતા. આ ઉપરાંત સાંસદ રેન્ડી ફાઇન અને સ્કોટ પેરીએ પણ હેરિસબર્ગના એક મંદિરમાં હાજરી આપી હતી. મિશિગનના સાંસદ જ્હોન જેમ્સે સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈને હિંદુ-અમેરિકન સમુદાયની પરંપરાઓ, સંસ્કૃતિ અને સેવાકાર્યો વિશે જાણકારી મેળવી હતી.
ચાર રાજ્યોમાં ભારતીય મતદારો પર ખાસ નજર
અમેરિકામાં ભારતીય-અમેરિકન સમુદાયની નોંધપાત્ર વસ્તી ધરાવતા રાજ્યોમાં ટેક્સાસ, ન્યૂ જર્સી, ન્યૂયોર્ક, કેલિફોર્નિયા, જ્યોર્જિયા અને પેન્સિલવેનિયાનો સમાવેશ થાય છે. જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, મિશિગન અને નોર્થ કેરોલિના જેવા રાજ્યોમાં ચૂંટણી મુકાબલો નજીકનો રહેવાની સ્થિતિમાં ભારતીય-અમેરિકન મતદારોનું સમર્થન મહત્ત્વપૂર્ણ બની શકે છે. આથી બંને રાજકીય પક્ષોના ઉમેદવારો ભારતીય સમુદાયના લોકો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે. રેસ્ટોરન્ટમાં ભારતીય વાનગીઓ બનાવવાથી લઈને મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા સુધીની આ પ્રવૃત્તિઓ દર્શાવે છે કે અમેરિકાની ચૂંટણીમાં ભારતીય-અમેરિકન સમુદાયનું રાજકીય મહત્ત્વ સતત ચર્ચામાં છે.






