ફરી પશુઓની માંદગી માણસ માટે મહામારી ન બને!, શમૉન્ડા વાયરસથી મનાવજાતને ખતરો

કુદરત અને માનવજાત વચ્ચેનો સંઘર્ષ જ્યારે જીવલેણ સૂક્ષ્મજીવોના સ્તરે પહોંચે છે, ત્યારે વિજ્ઞાનના સ્થાપિત સિદ્ધાંતો પણ ધૂ્રજી ઊઠે છે. અત્યાર સુધી પશુઓના તબેલા, ડેરી ફાર્મ અને ખુલ્લાં ઘાસના મેદાનો પૂરતો સીમિત રહેલો શમૉન્ડા વાયરસ હવે માનવ શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ભેદીને અંદર પ્રવેશી ચૂક્યો છે. ફ્રાન્સના લ્યોન શહેરમાં આ વાયરસથી સંક્રમિત દર્દીના મૃત્યુ સાથે જ વૈશ્વિક આરોગ્ય તંત્રમાં ભયનો તીવ્ર ઘંટ વાગી ગયો છે. ષડયંત્રો અને મહામારીઓના ઈતિહાસમાં દરેક મોટો ખતરો શરૂઆતમાં આવી જ એક અપવાદરૂપ ઘટના તરીકે દેખાતો હોય છે. દાયકાઓથી માત્ર પશુઓ અને કીટકો વચ્ચે ફરતો પેથોજેન જ્યારે પહેલીવાર કોઈ માનવીના શરીરમાં પહોંચીને જીવલેણ જટિલતાઓ ઊભી કરે, ત્યારે તે માત્ર એક તબીબી ઘટના રહેતી નથી, બલ્કે પર્યાવરણીય સંતુલન ખોરવાઈ જવાની ગંભીર ચેતવણી બની જાય છે.
ઉલ્લેખનીય છે કે, શમૉન્ડા વાયરસ મૂળભૂત રીતે બુન્યાવિરિડે કુળના 'ઓર્થોબુન્યાવાયરસ' પ્રજાતિ અને 'સિમ્બુ સિરોગુ્રપ' સાથે જોડાયેલો આરએનએ વાયરસ છે. તેનો ઇતિહાસ છ દાયકા જૂનો છે. વર્ષ ૧૯૬૫માં પશ્ચિમ આફ્રિકાના નાઇજીરિયામાં ગાયોના લોહીમાંથી આ વાયરસ સૌપ્રથમ અલગ કરવામાં આવ્યો હતો. ત્યારપછીના દાયકાઓમાં આફ્રિકાના પેટા-સહારા વિસ્તારો અને એશિયામાં જાપાન સુધી પશુઓમાં તેના છૂટાછવાયા કેસો નોંધાયા હતા. લાંબા સમય સુધી વેટરનરી સાયન્સ આ વાયરસને માત્ર પશુધન માટેની સમસ્યા માનતું રહ્યું, કારણ કે માનવ શરીરમાં આ વાયરસનું કોઈ અસ્તિત્વ ક્યારેય નોંધાયું નહોતું. પરંતુ વર્ષ ૨૦૨૬માં પશ્ચિમી યુરોપના સમૃદ્ધ ડેરી પટ્ટાઓમાં આ વાયરસે ફરી જોરદાર માથું ઊંચક્યું, અને ઓક્ટોબર ૨૦૨૬માં ફ્રાન્સના હોસ્પિસ સિવિલ્સ ડી લ્યોન ખાતે સારવાર લઈ રહેલા એક ગંભીર રીતે બીમાર દર્દીમાં તે સત્તાવાર રીતે મળી આવ્યો. આ સાથે જ છ દાયકા જૂની એ ધારણા કડડભૂસ થઈ ગઈ કે શમૉન્ડા ક્યારેય માણસને સ્પર્શી શકતો નથી.
જાણકારોના મતે આ રોગચાળાનું સૌથી ભયાનક પાસું તેનો વાહક એટલે કે 'વેક્ટર' છે. શમૉન્ડા વાયરસ કોઈ પ્રત્યક્ષ સંપર્ક કે હવા દ્વારા નહીં, પરંતુ અત્યંત નાના, કરડતા કીટકો જેને સામાન્ય ભાષામાં બાઇટિંગ મિડ્જિસ અને જીવવિજ્ઞાનની ભાષામાં 'ક્યુલિકોઇડ્સ' કહેવાય છે, તેના દ્વારા ફેલાય છે. આ મિડ્જિસ સામાન્ય મચ્છર કરતાં પણ કદમાં ઘણા નાના હોય છે અને ખુલ્લા ખેતરો, પશુવાડા અને ભેજવાળા વિસ્તારોમાં અબજોની સંખ્યામાં પાંગરે છે. ફ્રાન્સના પૂર્વીય પ્રદેશમાં કોઈ સંક્રમિત ક્યુલિકોઇડના ડંખથી દર્દીના લોહીમાં વાયરસ દાખલ થયો હોવાની આશંકા છે. મૃત્યુ પામેલો દર્દી પહેલાથી જ ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ્ડ (અત્યંત નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતો) હતો. સંક્રમણ બાદ તેના મગજ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ગંભીર ન્યુરોલોજીકલ ગૂંચવણો જોવા મળી હતી. યુરોપિયન સેન્ટર ફોર ડિઝીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (ECDC) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હાલમાં એ ચકાસી રહ્યા છે કે શું વાયરસે સીધો દર્દીના મગજ પર ઘાતક હુમલો કર્યો હતો કે પછી અન્ય બીમારીઓની સાથે મળીને તેને મૃત્યુના મુખમાં ધકેલી દીધો.
વિજ્ઞાન જગત માટે સૌથી મોટો સવાલ સ્પીસીઝ બેરિયર તૂટવાનો છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈ રોગકારક જંતુ પ્રાણીઓની સીમા ઓળંગીને માણસમાં પ્રવેશે છે, જેને ઝૂનોટિક સ્પિલઓવર કહેવાય છે, ત્યારે વિશ્વ મોટી આફતો તરફ ધકેલાયું છે. આપણે ભૂતકાળમાં ઈબોલા વાયરસ જોયો છે, જે ચામાચીડિયામાંથી માણસમાં આવ્યો અને આફ્રિકાના ગામડાંઓને સ્મશાન બનાવી દીધા. મલેશિયા અને સિંગાપોરમાં ભૂંડોમાંથી ઉદ્ભવેલો નિપાહ વાયરસ હોય કે પશ્ચિમ એશિયામાં ઊંટમાંથી ફેલાયેલો મર્સ વાયરસ હોય, જ્યારે પણ એનિમલ પેથોજેન માનવ શરીરમાં પગપેસારો કરે છે, ત્યારે તેનું પરિણામ ભયાનક આવે છે. કોરોના વાઈસ વિશે પણ આવી જ માન્યતા હતી કે, તે ચામાચિડિયામાંથી જ માણસમાં ફેલાયો હતો. તેણે જે નરસંહાર કર્યો તે આ સદી માટે અસહ્ય સાબિત થયો છે.
તાજેતરના વર્ષોમાં જંગલી પક્ષીઓમાંથી ડેરી ગાયો અને ખેત મજૂરો સુધી પહોંચેલા એવિયન ઇન્ફ્લુએન્ઝા તથા દક્ષિણ અમેરિકામાં અચાનક વકરીને માણસો માટે જીવલેણ બનેલા ઓરોપોચ વાયરસ તેના મોટા ઉદાહરણો છે. શમૉન્ડાનું માનવીમાં મળવું એ કોઈ એકાકી ઘટના નથી, પરંતુ કુદરત તરફથી સતત મળી રહેલી એ ચેતવણીઓની શૃંખલાનો જ એક ભાગ છે જેને માનવજાત વિકાસના નશામાં અવગણી રહ્યો છે. યુરોપની પશુપાલન વ્યવસ્થામાં આ વર્ષે જે બન્યું તે વધુ ચોંકાવનારું છે. વર્ષ ૨૦૨૬ના મધ્યભાગમાં જર્મનીના બેડેન-વુર્ટેમબર્ગ, સ્વિટ્ઝર્લેન્ડ અને પૂર્વીય ફ્રાન્સના ડેરી ફાર્મ્સમાં દૂધાળા પશુઓ અચાનક બીમાર પડવા લાગ્યા. ગાયોમાં અતિશય તાવ, આળસ, પાતળા ઝાડા અને સૌથી ભયાનક રીતે દૂધ ઉત્પાદનમાં કલ્પનાતીત ઘટાડો જોવા મળ્યો. જ્યારે વિજ્ઞાનીઓએ જિનોમ સિક્વન્સિંગ કર્યું, ત્યારે આ વાયરસના ડીએનએ/આરએનએ કોડ જૂના શમૉન્ડા વાયરસ સાથે ૯૦ ટકાથી વધુ મેળ ખાતા હતા.
જોકે, ઇન્ટરનેશનલ જિનોમ ડેટાબેઝમાં તેનો કોઈ પૂર્વ-નોંધાયેલો ચોક્કસ સ્ટ્રેઇન ન મળતા સંશોધકોએ તેને શમૉન્ડા -લાઇક ઓર્થોબુન્યાવાયરસ નામ આપ્યું. વધુ ચિંતાજનક બાબત એ બની કે ગાયો ઉપરાંત ઘોડાઓમાં પણ નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી ન્યુરોલોજીકલ ખામીઓ અને ઘેટાં-બકરાંમાં ગર્ભપાત કે ખોડખાંપણવાળા બચ્ચાંના જન્મો સામે આવ્યા. વર્ષ ૨૦૧૧માં યુરોપમાં ફાટી નીકળેલો શ્માલેનબર્ગ વાયરસ પણ આવો જ એક ઓર્થોબુન્યાવાયરસ હતો, જેણે થોડા જ મહિનાઓમાં જર્મની, હોલેન્ડ અને બેલ્જિયમના ૯૦ ટકા પશુધનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. જર્મનીની વિશ્વવિખ્યાત ફ્રેડરિક લોફ્લર ઇન્સ્ટિટયૂટના વાયરોલોજિસ્ટ માર્ટિન બિયર અને ફ્રાન્સની નેશનલ વેટરનરી સ્કૂલ ઓફ તુલુઝના સંશોધક જીન-લ્યુક ગેરિનના મતે, જો આ શમૉન્ડા વાયરસ યુરોપના પશુઓમાં સ્થાનિક સ્તરે કાયમી ઘર બનાવી લેશે, તો ડેરી ઉદ્યોગ અને ખાદ્ય સુરક્ષા સામે ગંભીર સંકટ ઊભું થશે.
જૈવવિવિધતાનો નાશ કરીને માણસે જંગલો, પશુઓ અને કુદરતી રહેઠાણો પર જે આક્રમણ કર્યું છે, તેના પરિણામે સૂક્ષ્મજીવો પોતાના જૂના વાતાવરણ ગુમાવી રહ્યા છે. જ્યારે જંગલી પ્રાણીઓ ઓછા થાય છે, ત્યારે તેમના શરીરમાં શાંતિથી રહેતા વાયરસ નવા વાતાવરણની શોધમાં નીકળે છે અને આ શોધ હંમેશાં પશુધનની ડેરીઓ કે માનવ વસ્તી પર આવીને અટકે છે. ફ્રાન્સની આ એકમાત્ર મોતે આખા વિશ્વના વન હેલ્થ એપ્રોેચ સામે અરીસો ધરી દીધો છે. વન હેલ્થનો સિદ્ધાંત કહે છે કે માનવ સ્વાસ્થ્ય, પશુ સ્વાસ્થ્ય અને પર્યાવરણ એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. જો આપણે પશુઓના રોગચાળાને માત્ર પશુપાલકોની સમસ્યા ગણીને હળવાશથી લઈશું, તો મોડી કે વહેલી તકે તે માનવજાતના અસ્તિત્વનો પ્રશ્ન બનીને સામે આવશે. શમૉન્ડા વાયરસનો આ પહેલો માનવ કેસ વિશ્વ માટે એક કટોકટીપૂર્ણ જાગૃતિનો ક્ષણ છે. લેબોરેટરીઓ અને આરોગ્ય એજન્સીઓએ હવે સંતુષ્ટ થઈને બેસી રહેવાના બદલે આ વાયરસના મોલેક્યુલર સ્ટ્રક્ચર, તેની ટ્રાન્સમિશન સાયકલ અને રસીકરણની શક્યતાઓ પર યુદ્ધના ધોરણે કામ કરવું પડશે. ડેરી ફાર્મ્સમાં જંતુનાશકોના યોગ્ય ઉપયોગથી ક્યુલિકોઇડ મિડ્જિસ પર નિયંત્રણ લાવવું અને હોસ્પિટલોમાં રહસ્યમય ન્યુરોલોજીકલ કેસોમાં વાયરસની સઘન તપાસ કરવી અનિવાર્ય બની ગઈ છે. જો વિશ્વ આ ચેતવણીને સમયસર નહીં સમજે, તો પ્રકૃતિ સાથેની આપણી છેડછાડનું પરિણામ એક વધુ વૈશ્વિક લોકડાઉન કે અજાણી મહામારીના સ્વરૂપમાં ચૂકવવું પડશે, એ વાતમાં હવે કોઈ શંકા નથી.
ગ્લોબલ વૉર્મિંગને પગલે ઘણા વાઈરસ હવે યુરોપમાં વકરી રહ્યા છે
સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વાયરસ સામે લડવા માટે વિશ્વમાં પ્રાણીઓ કે માણસો માટે કોઈ પ્રમાણિત રસી કે એન્ટિ-વાયરલ દવા ઉપલબ્ધ નથી. પ્રશ્ન એ પેદા થાય છે કે જે વાયરસ દાયકાઓ સુધી આફ્રિકા અને એશિયાના ઉષ્ણકટિબંધીય વિસ્તારો પૂરતો સીમિત હતો, તે અચાનક યુરોપના આલ્પ્સ પર્વતમાળાઓની તળેટીમાં અને ફ્રાન્સના મેદાનોમાં કેવી રીતે પહોંચી ગયો? વૈજ્ઞાનિક તપાસમાં મુખ્યત્વે બે સંભાવનાઓ સામે આવી રહી છે. પહેલી સંભાવના ગ્લોબલ ટ્રાન્સપોર્ટ અને આંતરરાષ્ટ્રીય વિમાન વ્યવહારની છે; એરકાર્ગો અથવા ફ્લાઇટ્સ દ્વારા સંક્રમિત કીટકો ભૂલથી હજારો કિલોમીટર દૂર યુરોપના મધ્યમાં પહોંચી ગયા હોય. પરંતુ આનાથી પણ વધુ નક્કર અને કડવું સત્ય ક્લાઇમેટ ચેન્જ એટલે કે ગ્લોબલ વોર્મિંગ છે. યુરોપમાં છેલ્લા કેટલાક દાયકાઓથી શિયાળો ટૂંકો અને હુંફાળો બની રહ્યો છે, જ્યારે ઉનાળો વધુ ગરમ અને ભેજવાળો બન્યો છે. તાપમાનમાં આવેલા આ વૈશ્વિક વધારાને કારણે ક્યુલિકોઇડ મિડ્જિસ જેવા કીટકો જે અગાઉ માત્ર ગરમ દેશોમાં જ જીવી શકતા હતા, તેમને હવે યુરોપિયન આબોહવામાં પણ પ્રજનન અને વિસ્તાર કરવાની આદર્શ પરિસ્થિતિ મળી ગઈ છે. પૃથ્વીનું વધતું તાપમાન વાયરસ વાહક કીટકોના ભૌગોલિક સીમાડાઓને તોડીને ઉત્તર તરફ ધકેલી રહ્યું છે. સત્તાવાર રીતે ફ્રેન્ચ હેલ્થ ઓથોરિટીઝ અને ઇસીડીસી એવો દાવો કરે છે કે સામાન્ય જનતા માટે હાલ કોઈ મોટો ખતરો નથી, કારણ કે આ કેસ અત્યંત નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિમાં બનેલો એક અલગ કિસ્સો છે અને માનવ-થી-માનવમાં સંક્રમણનો કોઈ પુરાવો નથી. પરંતુ આ માત્ર એક કાગળ પરની રાહત છે. મેડિકલ સાયન્સનો કઠોર ઇતિહાસ શીખવે છે કે વાયરસનું કોઈ બંધારણ ક્યારેય સ્થિર રહેતું નથી. આરએનએ વાયરસ પોતાની રચનામાં ઝડપથી મ્યુટેશન કરવા માટે કુખ્યાત છે. જ્યારે કોઈ પેથોજેન એકવાર માનવ કોષની અંદર ઘૂસીને તેનું વાતાવરણ ઓળખી લે છે, ત્યારે તેને નવા જિનોમિક બદલાવ લાવવાની તક મળી જાય છે. આજે જે વાયરસ માત્ર એક નબળા દર્દી પર હુમલો કરી શક્યો, તે કાલે જો વધુ અનુકૂળ મ્યુટેશન સાધી લેશે તો સામાન્ય તંદુરસ્ત માણસોને પણ સકંજામાં લઈ શકે છે.










