VIDEO : 'જેરૂસલેમના કાફેએ નેતન્યાહૂની મુલાકાતના ફોટો શેર કર્યા', કોફી હાઉસવાળો VIDEO નકલી?
મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના ભીષણ યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના મોતના સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે. જોકે, આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા જેરૂસલેમના એક કાફેએ નેતન્યાહૂની મુલાકાતના ફોટો શેર કર્યા છે. જેનાથી સાબિત થાય છે કે ઈઝરાયલના વડાપ્રધાન સંપૂર્ણપણે સુરક્ષિત અને કાર્યરત છે.
કાફેની પોસ્ટથી અફવાઓ પર પૂર્ણવિરામ
જેરૂસલેમના પ્રખ્યાત કાફે 'ધ સતાફે' ઈન્સ્ટાગ્રામ પર નેતન્યાહૂની મુલાકાતના ફોટા શેર કર્યા છે. કાફેએ કેપ્શનમાં લખ્યું, "આજે સતાફમાં વડાપ્રધાન અને તેમના કાર્યાલયની યજમાની કરીને અમને ખૂબ આનંદ થયો! હવે ખબર પડીને કઈ બેકરીની મુલાકાત લેવી જોઈએ." કાફેએ આ સાથે જ વિસ્તારમાં શાંતિ સ્થપાય અને સુરક્ષા દળો સુરક્ષિત રહે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
કેવી રીતે ફેલાઈ અફવા?
નેતન્યાહૂના મોતના સમાચાર ત્યારે ફેલાવવાનું શરૂ થયું જ્યારે અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામનેઈનું મોત થયું હોવાના અહેવાલ આવ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવ્યા કે, ઈરાને વળતો હુમલો કરીને નેતન્યાહૂને નિશાન બનાવ્યા છે. કેટલીક પોસ્ટમાં તો નેતન્યાહૂ ઘાયલ થયા હોવાના એડિટ કરેલા ફોટા પણ વાયરલ કરવામાં આવ્યા હતા.
AI 6 આંગળીઓ અને ડીપફેકનો વિવાદ
આ વિવાદમાં ટેકનોલોજીનો પણ દુરુપયોગ જોવા મળ્યો છે. નેતન્યાહૂના એક વીડિયોને સ્ક્રૂટિની (તપાસ) કરતા કેટલાક યુઝર્સે દાવો કર્યો કે વીડિયોમાં નેતન્યાહૂની 6 આંગળીઓ દેખાય છે, જે સાબિત કરે છે કે આ વીડિયો AI દ્વારા બનાવાયેલો છે. જોકે, એનાડોલુ એજન્સીએ આ દાવાને ફગાવતા કહ્યું કે તે માત્ર એક ગેરમાર્ગે દોરનારો સ્ક્રીનશોટ હતો, વીડિયો અસલી છે.
Grok Chatbot નો છબરડો
ઈલોન મસ્કની કંપનીના AI ચેટબોટ 'Grok' એ એક યુઝરના પ્રશ્નના જવાબમાં કહી દીધું કે નેતન્યાહૂનો કાફે વાળો વીડિયો "100% ડીપફેક" છે. આ જવાબ વાયરલ થતા મૂંઝવણ વધી હતી, પરંતુ બાદમાં તે ખોટો સાબિત થયો હતો.
વડાપ્રધાન કાર્યાલયનો ખુલાસો
વધતી જતી અફવાઓ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે, "આ તમામ અહેવાલો ફેક ન્યૂઝ છે, વડાપ્રધાન એકદમ સ્વસ્થ છે." સત્તાવાર ચેનલો દ્વારા સતત અપડેટ આપવામાં આવી હતી કે, નેતન્યાહૂ ઈઝરાયલમાં જ છે અને યુદ્ધની સ્થિતિ પર સીધી દેખરેખ રાખી રહ્યા છે.

