મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

હિજબુલ્લાહના 300 ઠેકાણા પર ઇઝરાયેલની એરસ્ટ્રાઇક, 180થી વધુ લોકોના મોત; 700થી વધુ ઘાયલ

ગાઝામાં પેલેસ્ટાઇન સાથે યુદ્ધ વચ્ચે ઇઝરાયેલે મિડલ ઇસ્ટ દેશ લેબેનોનમાં હિજબુલ્લાહ સંગઠનના ઠેકાણાઓ પર એરસ

હિજબુલ્લાહના 300 ઠેકાણા પર ઇઝરાયેલની એરસ્ટ્રાઇક, 180થી વધુ લોકોના મોત; 700થી વધુ ઘાયલ

ગાઝામાં પેલેસ્ટાઇન સાથે યુદ્ધ વચ્ચે ઇઝરાયેલે મિડલ ઇસ્ટ દેશ લેબેનોનમાં હિજબુલ્લાહ સંગઠનના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. ઇઝરાયેલની મિલિટ્રીએ આ એરસ્ટ્રાઇકની જાણકારી આપી છે. ઇઝરાયેલની ડિફેન્સ ફોર્સ (IDF)એ જણાવ્યું કે સોમવાર સવારે 6.30થી સવારે 7.30 વાગ્યા વચ્ચે હિજબુલ્લાહના 300 ઠેકાણા પર મિસાઇલ અને રોકેટથી 150 હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલામાં 182 લોકોના મોત થયા છે જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર, એર સ્ટ્રાઇક બાદ લેબેનોને તમામ સ્કૂલ અને કોલેજ 2 દિવસ માટે બંધ કરી દીધી છે. માર્કેટને પણ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સાવચેતીના ભાગરૂપે શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

ઇઝરાયેલે ફોન પર મોકલી ચેતવણી

લેબેનોનના મીડિયા અનુસાર, એર સ્ટ્રાઇક પહેલા ઇઝરાયેલે લેબેનોનના લોકોના મોબાઇલ નંબર પર એલર્ટ મોકલ્યું હતું અને લોકોને જગ્યા ખાલી કરવા કહેવામાં આવ્યું હતું. થોડી વાર બાદ જ હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. લેબેનોનના સૂચના મંત્રી જાયદ માકરીની ઓફિસ તરફથી ન્યૂઝ એજન્સીને જણાવવામાં આવ્યું કે, સોમવારે લોકોના ફોન પર ઇઝરાયેલ તરફથી વોર્નિંગ મળી હતી અને તેમને સુરક્ષિત સ્થળે ખસી જવા કહેવામાં આવ્યું હતું.

લેબેનોનની નેશનલ ન્યૂઝ એજન્સીએ કહ્યું, "બેરૂત અને અન્ય વિસ્તારમાં લોકોને લેન્ડલાઇન ટેલિફોન પર વોર્નિંગ કોલ આવ્યો હતો. આ એક રેકોર્ડેડ મેસેજ હતો, જે ઇઝરાયેલ તરફથી મોકલવામાં આવ્યો હતો. દુશ્મન દેશે એક રીતે સાઇકોલોજિકલ વોર શરૂ કરી દીધો છે."

બેરૂતની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના મોબાઇલ ફોન પર એક ટેક્સ્ટ મેસેજ મોકલીને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. ટેક્સ્ટ મેસેજમાં સેન્ડરનો નંબર જોવા મળતો નહતો અને મેસેજ અનનોન નંબર પરથી મોકલવામાં આવ્યા હતા. બેરૂતના એક નાગરિકે જણાવ્યું, "મને મોબાઇલ પર ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો જેમાં લખ્યું હતું- જો તમે તે બિલ્ડિંગમાં રહો છો જ્યાં હિજબુલ્લાહના હથિયાર છે તો ત્યાંથી તરત જ નીકળી જજો જેથી પોતાનો જીવ બચાવી શકો."

ગાઝા યુદ્ધમાં ઇઝરાયેલ વિરૂદ્ધ હિજબુલ્લાહ

ઇઝરાયેલની મિલિટ્રીએ લેબેનોનના લોકોને એલર્ટ મોકલ્યું હતું કે હિજબુલ્લાહના ઠેકાણાની આસપાસના વિસ્તારોમાં દૂર ખસી જાય અને કોઇ સુરક્ષિત જગ્યાએ જતા રહે કારણ કે ઇઝરાયેલ મોટા સ્તરે આર્મી ઓપરેશનને અંજામ આપવાનું છે. ગાઝામાં એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલી મિલિટ્રી તરફથી લેબેનોનના લોકો માટે આ પ્રથમ ઓફિશિયલ વોર્નિંગ હતી.

હિજબુલ્લાહના પેજર અને વૉકી-ટોકીમાં થયા હતા વિસ્ફોટ

ઇરાન સમર્થિત હિજબુલ્લાહ ગાઝામાં ચાલી રહેલા ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધમાં સામેલ થઇ ગયું છે. હિજબુલ્લાહે તાજેતરમાં ગાઝાના સમર્થનમાં ઇઝરાયેલ પર કેટલાક હુમલા કર્યા છે. ગત અઠવાડિયે હિજબુલ્લાહના પેજર્સ અને વૉકી-ટોકીમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 40 લોકો માર્યા ગયા હતા જ્યારે 3 હજાર લોકો ઘાયલ થયા હતા. લેબેનોને આ હુમલા માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. બીજી તરફ ઇઝરાયેલે ના તો હુમલાના આરોપોને ફગાવ્યા છે અને ના તો કોઇ ઓફિશિયલ નિવેદન જાહેર કર્યું છે.

આ સમાચાર શેર કરો