હોર્મુઝને ફરીથી ખોલવા અંગે ઈરાનનું મોટું નિવેદન, ઓમાન સાથેની ડીલનો ઉલ્લેખ કરી અમેરિકા સમક્ષ મૂકી શરત

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે મોટું નિવેદન આપ્યું છે. ઈરાની મીડિયામાં પ્રકાશિત થયેલા તેમના નિવેદન મુજબ, ઈરાન હાલમાં ઓમાન સાથે નવા દરિયાઈ માર્ગ અંગે વાટાઘાટો કરી રહ્યું છે, અને આ નવા માર્ગ સંબંધિત નકશા તથા કરારની વિગતો બેઠકમાં સામેલ થનારા દેશો સાથે શેર કરવામાં આવશે. અરાઘચીએ જણાવ્યું કે, ઓમાનમાં યોજાનારી બેઠકનો મુખ્ય એજન્ડા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા નવા દરિયાઈ માર્ગની સ્થાપના કરવાનો રહેશે. જોકે, તેમણે મક્કમપણે જણાવ્યું હતું કે, ઓમાન સાથેનો આ કરાર કોઈપણ સંજોગોમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે ફરીથી ખોલવાનો સંકેત આપતો નથી.
હોર્મુઝ ખોલવા અમેરિકા સમક્ષ મૂકી શરત
અરાઘચીએ ઉમેર્યું કે, ઈરાન તરફથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા માટે એક ચોક્કસ શરત રાખવામાં આવી છે. આ માટે અમેરિકાએ ઈસ્લામાબાદ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ હેઠળ પોતાની જવાબદારીઓ અને પ્રતિબદ્ધતાઓ પર પાછા ફરવું પડશે. જ્યાં સુધી અમેરિકા પોતાની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધતું નથી, ત્યાં સુધી હોર્મુઝને ખોલવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.
હોર્મુઝમાં હજુ પણ તણાવ, હુમલા અને જાનહાનિ
ઈરાની અધિકારીઓએ તાજેતરના દિવસોમાં ઓમાન સાથે વ્યૂહાત્મક જળમાર્ગમાંથી પસાર થતા દરિયાઈ માર્ગો અંગે ચર્ચા કરી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ શિપિંગ રૂટમાંથી એક છે અને આંતરરાષ્ટ્રીય ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્વનું છે. રવિવારે જ માહિતી સામે આવી હતી કે, ઈરાન અને ઓમાન વચ્ચે એન્ટ્રી-એક્ઝિટ રૂટને લઈને સંમતિ બની ગઈ છે. દરમિયાન ઈરાનના એક જહાજ પર પણ હુમલાની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
વાટાઘાટોથી ખુલશે સકારાત્મકતાનો માર્ગ
પ્રાદેશિક સુરક્ષા અંગે ઈરાનનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરતાં અરાઘચીએ કહ્યું કે, ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની પ્રાથમિક જવાબદારી માત્ર આ ક્ષેત્રના દેશોની જ હોવી જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ઓમાનમાં થનારી વાટાઘાટોથી આગળ જતાં પ્રાદેશિક દેશોના હિતો સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ પર પણ સકારાત્મક ચર્ચાનો માર્ગ ખુલશે.

